પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે સુરત નવી સિવિલમાં 100મું સફળ અંગદાન; 2 કિડની, લીવરના દાનથી 3ને નવજીવન

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ધર્મ, ભક્તિ અને દાનનો મહિનો છે. મૃત્યુ પછી પણ અંગોના દાન થકી કોઈને નવજીવન આપવું એનાથી પવિત્ર ધર્મકાર્ય બીજું કોઈ નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 07 Sep 2026 11:54 AM (IST)Updated: Mon, 07 Sep 2026 11:54 AM (IST)
surat-new-civil-hospital-achieves-100th-successful-organ-donation-three-patients-get-new-life

Surat News: પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે, એકાદશીના પાવન દિને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 100મું સફળ અંગદાન થયું છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંબાડા ગામના રહેવાસી અને ખેતમજૂરી કરતા 56 વર્ષીય ભલાભાઈ છગનભાઈ હળપતિના 2 કિડની, લીવરના દાનથી 3 વ્યક્તિઓને નવજીવન મળશે.

ભલાભાઈની પત્ની લલિતાબેન અને તેમના સંતાનો સોનલબેન, રેખાબેન અને ઉત્તમભાઈએ પોતાના સ્વજનને ગુમાવવાની અસહ્ય પીડા વચ્ચે પણ અંગદાનનો નિર્ણય લીધો હતો, ત્યારે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા નવી સિવિલ ખાતે સદ્દગત અંગદાતાની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને હળપતિ પરિવારને સાંત્વના પાઠવી અંગદાનની ઉમદા ભાવનાને બિરદાવી હતી. પ્રાર્થના સભામાં તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા, RMO ડો. કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો. નિલેશ કાછડીયા, નર્સિંગ સુપ્રિન્ટેડન્ટ નિરજા પટેલ, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડ, તબીબો અને સ્ટાફગણ જોડાયા હતા અને સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અંબાડા ગામના બીલી ફળિયામાં રહેતા ભલાભાઈ હળપતિ ગત 5 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે ખેતીકામ દરમિયાન અચાનક પડી જવાથી બેભાન થઈ ગયા હતા. ખેતરના માલિક દ્વારા તેમને પ્રથમ નજીકની સાર્વજનિક હોસ્પિટલમાં અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો ન જણાતા વધુ ગંભીર હાલતમાં તેમને 5 સપ્ટેમ્બરની રાત્રે 10.34 વાગ્યે 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સીમાં આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. 6 સપ્ટેમ્બરના રોજ ન્યુરો સર્જન અને મેડિકલ ટીમે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સ્વજન થકી અન્યોને નવજીવન મળવાના સત્કાર્યની ભાવના સાથે તેમજ અન્ય લોકોને અંગદાન માટે પ્રોત્સાહન મળે તે હેતુથી પરિવારે ભારે હૈયે અંગદાનની સહમતિ આપી હતી.

આ વેળાએ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ધર્મ, ભક્તિ અને દાનનો મહિનો છે. મૃત્યુ પછી પણ અંગોના દાન થકી કોઈને નવજીવન આપવું એનાથી પવિત્ર ધર્મકાર્ય બીજું કોઈ નથી, અને ભલાભાઈનું આ અંતિમ દાન આપણને શીખવે છે કે માનવીનું જીવન પૂરું થઈ શકે છે, પરંતુ માનવતા ક્યારેય પૂરી થતી નથી. સામાન્ય હળપતિ પરિવાર પણ અંગદાનની ભાવના સમજે છે અને સ્વજનને ગુમાવવા છતાં પણ માનવતાના મહાન કાર્યમાં જોડાયો છે ત્યારે આ નાના પરિવારની વિરાટ ભાવના વંદનીય છે.

સમગ્ર ગુજરાત હળપતિ પરિવારની ઉમદા નિર્ણયને હંમેશાં યાદ રાખશે તેમ જણાવી તેમણે નાગરિકોને અંગદાનના સંકલ્પ માટે આગળ આવવા અને અંગદાન વિશે વિચારવા અંગદાન માટે સંકલ્પ લેવા અને મૃત્યુ પછી પણ કોઈના જીવનમાં ઉજાસ પાથરવાની અપીલ કરી હતી. સદ્દગતના 2 કિડની અને 1 લીવરને અમદાવાદની IKDRC હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રત્યારોપણ થકી અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થયું છે.

અંગદાન મહાદાન અભિયાનને જેમણે પ્રેરક જનજાગૃત્તિ અભિયાન બનાવ્યું છે તેવા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખનો પણ આ સેવાકાર્યમાં સહયોગ મળ્યો હતો. દિલીપદાદા દેશમુખે જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં અંગદાનથી મોટું દાન બીજું શું હોઈ શકે? કોઈના જીવનને ઉજાળવાની હળપતિ પરિવારની ભાવનાને નતમસ્તક વંદન છે. નવી સિવિલના ઈ.તબીબી અધિક્ષક ડૉ.પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડૉ. બરીરા, ડૉ. દિવ્યા, ડૉ. રાધિકા, ડૉ. સંસ્કૃતિ સહિત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સામાજિક કાર્યકરો, સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી.