Surat News:સુરતમાંથી વધુ એક વખત અંગદાન થયું છે. બ્રેઈનડેડ જાહેર થયેલા ૨૬ વર્ષીય યુવકના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી સમાજ સમક્ષ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરતના રાંદેર રોડ પાલનપુર પાટિયા સ્થિત દિનદયાળ સોસાયટી ખાતે રહેતો અને કેરિગ્ટન ક્લબ એન્ડ રિસોર્ટમાં સેલ્સ રીપ્રેઝન્ટેટિવ તરીકે ફરજ બજાવતો તરુણ રાજુભાઇ મારૂ [ઉ.વ ૨૬] સોમવાર તા. ૬ જુલાઈના રોજ સાંજે ૦૫:૩૦ કલાકે ડુમસ ફરવા ગયો હતો. તે ત્યાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરી રહ્યો હતો ત્યારે, આશરે ૭.૩૦ કલાકે તરુણ પર વીજળી પડતાં તે બેભાન થઈ ગયો હતો અને તેનું હ્રદય બંધ થઈ ગયું હતું. તેના મિત્ર મંથનસિંહે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી ઘટનાની જાણ કરી હતી, ૧૦૮ એમ્બ્યુલન્સના પેરામૅડિકલ સ્ટાફે સ્થળ પર પહોંચી CPR આપી તરુણના હ્રદય ને ફરી ધબકતું કરવાની કોશિશ કરી હતી અને તેને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ડો. અનુજ ક્લાર્ક અને ડો. મયુર કલસરીયાની સારવાર હેઠળ દાખલ કર્યો હતો.સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના ડોકટરોની ટીમે ૨૦ મિનિટ CPR આપીને તેના હ્દયને ફરી ધબકતું કરી સારવાર શરૂ કરી હતી.
નિદાન માટે CT સ્કૅન કરાવતા હ્રદય બંધ થવાને કારણે મગજમાં લોહી ન પહોચતા મગજમાં નુકશાન થયેલ હોવાનું નિદાન થયું હતું. તા. ૯ જુલાઈના રોજ ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અનુજ ક્લાર્ક, ડો. મયુર કલસરીયા, ન્યુરોફીઝીશયન ડૉ. રવિ વૈતયાની અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર ડો. દીપેન પટેલે તરુણને બ્રેઈનડેડ જાહેર કર્યો.
તરુણના ફુઆ લાલચંદભાઈ પરમારે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી તરુણના બ્રેઈનડેડ અને પરિવારની અંગદાનની ઇરછા અંગે જાણકારી આપી જણાવ્યું કે પરિવાર અંગદાન અંગે વધુ જાણકારી મેળવવા માંગે છે. ડોનેટ લાઈફ ની ટીમે હોસ્પિટલ પહોંચી ડો. અનુજ ક્લાર્ક સાથે રહી તરુણના પિતા રાજુભાઈ, માતા જયાબેન, ભાઈ ચિંતન,બેન પ્રિયંકા,બનેવી યોગેશ, કાકા પ્રવીણભાઈ, કાકી મીનાબેન, પિતરાઈ ભાઈ રોહિત, ફુઆ લાલચંદભાઈ પરમાર તેમજ મારૂ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું હતું.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર અને બંને કિડની અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી. દાનમાં મેળવવામાં આવેલા બંને કિડની અને લિવર નું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામા આવશે. ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. લિવર અને કિડની સમયસર ટ્રેન મારફત અમદાવાદ પહોંચડવા માટે સુરતની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલથી સુરત રેલ્વે સ્ટેશન સુધીના માર્ગનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આંતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૪૩ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
