Surat SMIMER Hospital News: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના (SMIMER Hospital) તબીબોએ ઉત્કૃષ્ટ કુશળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા તાપી જિલ્લાના એક ખેડૂત પરિવારની 13 વર્ષીય પુત્રીને મોતના મુખમાંથી ઉગારી લીધી છે. ત્રણ જેટલી હોસ્પિટલથી રીફર થયા બાદ સ્મિમેર પહોંચેલી અને એટીપિકલ ગિલેન-બેરે સિન્ડ્રોમથી પીડાતી બાળકીને સચોટ નિદાન અને આધુનિક સારવાર પદ્ધતિ થકી નવજીવન મળ્યું છે. હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ થઈ પોતાના પગે ચાલી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તાપી જિલ્લાના ઉમરવાડુધ ગામના ખેડૂત રાકેશભાઈ ચૌધરીની 13 વર્ષીય દીકરીની તબિયત અચાનક બગડતા તેને અગાઉ ઉનાઈ, વાંસદા અને નવસારીની વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, સ્થિતિ સતત વણસતી જતી હોવાથી ગત 20 સપ્ટેમ્બરના રોજ તેને અત્યંત ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલની કેઝ્યુઅલ્ટીમાં ખસેડવામાં આવી હતી.
બાળકીને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી, આંખે ઝાંખપ, માનસિક અસ્વસ્થતા અને ચાલતી વખતે સંતુલન ગુમાવવા ગંભીર તકલીફ હતી. આશ્ચર્યજનક બાબત એ હતી કે શ્વાસની અતિશય ગંભીર તકલીફ હોવા છતાં તેની શ્વસનતંત્રની પ્રાથમિક તપાસ અને છાતીનો એક્સ-રે એકદમ સામાન્ય આવ્યા હતા. બાળકીની નાજુક હાલત જોઈને તબીબોએ ક્ષણનો વિલંબ કર્યા વિના તેને તાત્કાલિક વેન્ટિલેટર પર મૂકી દીધી હતી.
શરૂઆતમાં રિપોર્ટ્સ સ્પષ્ટ ન આવતા નિદાન કરવું મોટો પડકાર હતો, પરંતુ સ્મીમેરના પીડિયાટ્રિક વિભાગના તબીબોએ બાળકીના લક્ષણોનો બારીકાઈથી અભ્યાસ કરીને આ કેસ 'એટીપિકલ ગિલેન-બેરે સિન્ડ્રોમ', જેમાં ખાસ કરીને મિલર ફિશર વેરિઅન્ટનો હોવાનું સચોટ અનુમાન લગાવ્યું હતું. આ એવી દુર્લભ બીમારી છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાની જ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. તબીબોએ ત્વરિત ધોરણે આધુનિક 'પ્લાઝમા ફેરેસિસ' પદ્ધતિ દ્વારા સારવાર શરૂ કરી હતી.
એટીપિકલ ગિલેન-બેરે સિન્ડ્રોમ શું છે?
એટીપિકલગિલેન-બેરે સિન્ડ્રોમ એક અત્યંત દુર્લભ અને ઝડપથી ફેલાતો ઓટોઈમ્યુન ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના જ પેરિફેરલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. સામાન્ય રીતે વાયરલ કે બેક્ટેરિયલ ઈન્ફેક્શન બાદ જોવા મળતી આ બીમારીની શરૂઆત પગ અને હાથમાં ઝણઝણાટી, બહેરાશ કે નબળાઈથી થાય છે, જે ધીમે-ધીમે વધીને સ્નાયુઓની અસમર્થતા અને લકવા તરફ દોરી જાય છે.
ગંભીર કિસ્સામાં તે શ્વાસોચ્છવાસના સ્નાયુઓ, ચહેરાની નસો અને હૃદયના ધબકારાને નિયંત્રિત કરતી પ્રણાલીને પણ અસર કરે છે, જેના કારણે દર્દીને તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડે છે. જોકે, પ્લાઝમા ફેરેસિસ (પ્લાઝમા બદલવાની પ્રક્રિયા) અથવા ઈન્ટ્રાવેનસ ઈમ્યુનોગ્લોબ્યુલિન (IVIG) જેવી આધુનિક સારવાર પદ્ધતિઓ અને સઘન ફિઝિયોથેરાપી દ્વારા મોટાભાગના દર્દીઓ યોગ્ય સમયે સારવાર મળે તો આ બીમારીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈને સામાન્ય જીવનમાં પરત ફરી શકે છે.
સમયસર શરૂ થયેલી આ સારવારના સકારાત્મક પરિણામો મળ્યા અને 13 વર્ષીય કૃશાના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થવા લાગ્યો. ધીમે-ધીમે તેને વેન્ટિલેટર અને ઓક્સિજન સપોર્ટ પરથી હટાવી લેવામાં આવી હતી. પ્લાઝમા ફેરેસિસની ચાર સાયકલ પૂર્ણ થયા બાદ આજે કૃશા કોઈપણ સહારા વગર ચાલે છે, જાતે જમે છે તથા દિનચર્યા સામાન્ય રીતે વિતાવી રહી છે. દીકરીને ફરી હસતી-રમતી જોઈને તેના માતા-પિતાની આંખોમાં ખુશીનાં આંસુ છલકાઈ આવ્યા હતા.
આ સફળ સારવાર સ્મિમેર હોસ્પિટલના પીડિયાટ્રિક યુનિટ-3 ના હેડ ડૉ. અજય સેઠી, ડૉ. નિરાલી મહેતા, ડૉ. રાધિકા પટેલ અને ડૉ. ફાલ્ગુની ચૌધરીની આગેવાની હેઠળ રેસિડેન્ટ તબીબો તેમજ નર્સિંગ સ્ટાફની અથાક મહેનત અને ચોવીસ કલાકની દેખરેખને આભારી છે. તબીબોની આ સચોટ ટીમવર્ક અને આધુનિક સારવાર પદ્ધતિએ એક દીકરીને નવજીવન આપીને પરિવારને મોટી રાહત આપી છે.
