Surat-Bilimora Trial Run 2027: 280ની સ્પીડ, 94 હજાર નોઈઝ બેરિયર અને 2 કલાકમાં સફર! ભારતની પહેલી બુલેટ ટ્રેનનું કાઉન્ટડાઉન શરૂ, જાણો ક્યારે બેસી શકશો

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી અપડેટ. સુરત-બિલીમોરા વચ્ચે મે 2027માં ટ્રાયલ, 280 કિમીની ઝડપ, 94 હજાર નોઈઝ બેરિયર અને તબક્કાવાર શરૂઆત અંગે વાંચો સંપૂર્ણ માહિતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 24 Nov 2026 12:00 AM (IST)Updated: Tue, 24 Nov 2026 12:00 AM (IST)
suratbilimora-bullet-train-trial-run-2027-indias-highspeed-rail

Surat-Bilimora Trial Run 2027: દેશમાં હાઈ-સ્પીડ રેલ મુસાફરીનું સપનું હવે હકીકત બનવાની સાવ નજીક છે. પ્રતિ કલાક 280 કિલોમીટરની ઝડપે દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેન પાટા પર ઉતારવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના ગુજરાત સ્થિત સુરત-બિલીમોરા રૂટ પર આગામી મે 2027થી ટ્રેનનું પરીક્ષણ શરૂ કરવામાં આવશે. જો બધું જ આયોજન મુજબ પાર પડશે, તો વર્ષ 2027ના અંતિમ ત્રિમાસિક ગાળામાં સામાન્ય મુસાફરો માટે પહેલી સેવા શરૂ થઈ શકે છે.

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની તાજી સ્થિતિ રજૂ કરી હતી. તેમણે માહિતી આપી કે સુરત અને બિલીમોરા વચ્ચેના 50 કિલોમીટરના પટ્ટા પર વીજળીકરણની કામગીરી સંપૂર્ણપણે આટોપી લેવામાં આવી છે, જ્યારે સિગ્નલિંગનું કામ જાન્યુઆરી 2027 સુધીમાં પૂરું થઈ જશે. સમગ્ર પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો મુસાફરી સમય ઘટીને અંદાજે એક કલાક અને 58 મિનિટ જેટલો રહી જશે.

સુરત-બિલીમોરા રૂટ પર વીજ પુરવઠો શરૂ

મુંબઈ-અમદાવાદ કોરિડોરમાં સુરતથી બિલીમોરા વચ્ચેનો હિસ્સો એવો પ્રથમ સેક્શન બનશે જ્યાં બુલેટ ટ્રેન દોડાવીને ચકાસણી કરાશે. ગત 20 નવેમ્બરના રોજ આ રૂટના એલિવેટેડ ટ્રેક પર અપ અને ડાઉન બંને લાઈનોના ઓવરહેડ ઈલેક્ટ્રિક સાધનો (OHE) ચાલુ કરી દેવાયા છે, જેનો સીધો અર્થ એ છે કે ટ્રેન ચલાવવા માટે જરૂરી વીજ સપ્લાય સિસ્ટમ તૈયાર છે. આ ઉપરાંત અદ્યતન ટ્રેક્શન સિસ્ટમ પણ ગોઠવી દેવામાં આવી છે. કુલ 508 કિલોમીટર લાંબા આ કોરિડોરમાં અવિરત વીજ વિતરણ માટે 14 ટ્રેક્શન સબ-સ્ટેશન ઊભા કરાઈ રહ્યા છે, જેનું સંચાલન અને દેખરેખ એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાંથી થશે.

તબક્કાવાર શરૂ થશે બુલેટ ટ્રેનની સેવા

રેલ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આખો રૂટ એકસાથે શરૂ કરવાને બદલે અલગ-અલગ તબક્કામાં ખુલ્લો મુકાશે- 

પહેલો તબક્કો (મે 2027): સુરત-બિલીમોરા વચ્ચે 50 કિમીના રૂટ પર ટ્રાયલ રન શરૂ થશે.

બીજો તબક્કો (2027ના અંત સુધીમાં): અમદાવાદથી વાપી વચ્ચેનો હિસ્સો તૈયાર કરીને મુસાફરો માટે શરૂ કરવાનો લક્ષ્યાંક છે.

ત્રીજો તબક્કો (2029 સુધીમાં): મુંબઈ તરફ થાણે સુધી બુલેટ ટ્રેન પહોંચવાની ધારણા છે.

મહારાષ્ટ્રના હિસ્સામાં પણ બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં દરિયાની સપાટી નીચે બની રહેલી ખાસ ટનલના કામનો પણ સમાવેશ થાય છે.

રહેણાંક વિસ્તારો માટે 94 હજાર નોઈઝ બેરિયર

જ્યારે કોઈ ટ્રેન 280 કિલોમીટરની રફ્તારથી પસાર થાય ત્યારે તેનો અવાજ ઘણો વધારે હોય છે. આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોને અવાજના પ્રદૂષણથી બચાવવા માટે ટ્રેકની બંને બાજુએ અંદાજે 94,000 જેટલા ખાસ નોઈઝ બેરિયર (અવાજ રોધક દીવાલો) લગાવવામાં આવ્યા છે.

B-28 ટ્રેન અને હવાના દબાણની કસોટી

પ્રારંભિક તબક્કાના ટ્રાયલ માટે B-28 શ્રેણીની ટ્રેનનો ઉપયોગ કરાશે, જેને મહત્તમ 280 kmphની ઝડપ માટે ડિઝાઇન કરાઈ છે. સામાન્ય રીતે 240 kmph થી વધુ ઝડપે દોડતી ટ્રેનો હાઈ-સ્પીડ કેટેગરીમાં ગણાય છે, જેના માટે સામાન્ય રેલવે ટ્રેક કરતાં અનેકગણા મજબૂત અને ચોક્કસ ટેકનિકલ માપદંડોવાળા માળખાની જરૂર પડે છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આટલી પ્રચંડ ગતિએ ટ્રેન દોડે ત્યારે તેની આસપાસ હવાના દબાણમાં મોટો ફેરફાર સર્જાય છે, જેની સીધી અસર ટ્રેનના કોચ અને ટ્રેકના માળખા પર પડે છે. આ પડકારને પહોંચી વળવા માટે B-28 ટ્રેનની ખાસ ચકાસણી કરવામાં આવી છે. પરીક્ષણ દરમિયાન સામાન્ય સંચાલન વખતે લાગતા વાતાવરણીય દબાણ કરતાં બમણા દબાણ હેઠળ ટ્રેનને રાખીને તેની સહનશક્તિ ચકાસવામાં આવી હતી, જેમાં આ ટ્રેન સફળ રહી છે.