સુરતમાં લગ્નના બીજા જ દિવસે કરૂણાંતિકા, ઘરે એકલા રહેલા 26 વર્ષીય યુવકે ખાઈ લીધો ગળે ફાંસો, જાણો

સુરતના ઉન ભીંડી બજાર વિસ્તારમાં લગ્નના બીજા જ દિવસે ૨૬ વર્ષીય યુવક રિઝવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાયો છે. ભેસ્તાન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 30 Sep 2026 02:57 PM (IST)Updated: Wed, 30 Sep 2026 02:57 PM (IST)
surat-youth-suicide-after-one-day-of-marriage-bhestan-police-investigation

Surat News: સુરતમાં એક યુવકે તેના લગ્નના બીજા જ દિવસે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. જે ઘરમાં લગ્નની ખુશીઓ હતી. ત્યાં જ માતમ છવાયો હતો. હાલ યુવકે આવું આત્મઘાતી પગલું કેમ ભર્યું તે સામે આવ્યું નથી.

લગ્નના બીજા દિવસે યુવકનો આપઘાત

મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં સુરતના ઉન ભીંડી બજાર પાસે નસીમાનગર રહેતા 26 વર્ષીય રીઝવાન ઈસ્માઈલ મોહમદ પોતાના માતા-પિતા સહિતના પરિવાર સાથે રહેતો હતો. ગત રવિવારના રોજ તેના લગ્ન થયા હતા. બીજા દિવસે તેના સાસરિયાવાળા તેની પત્નીને તેડી ગયા હતા. બીજી બાજુ લગ્નના દિવસે ડીજે પ્રોગ્રામમાં તેની ભાભીને ઇજા થઈ હોવાથી પરિવારજનો હોસ્પિટલમાં લઈ ગયા હતા.

મોત પાછળ શું છે કારણ?

ઘરે 26 વર્ષીય રિઝવાન એકલો હતો. ત્યાં તેણે ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં મિત્રો અને પાડોશીઓએ તાત્કાલિક યુવકને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃતક રિઝવાનના અન્ય બે ભાઈઓ છે. હાલમાં ભેસ્તાન પોલીસે યુવકના મોત પાછળનું કારણ શું છે. તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારજનોમાં શોકનો માહોલ

જે ઘરમાં લગ્નની ખુશીનો માહોલ હતો. ત્યાં માતમ છવાઈ ગયો હતો. યુવકના મોતને લઈને તેના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. જો કે, યુવકે આ પગલું કેમ ભર્યું તે હાલ સામે આવ્યું નથી. મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે હું, મમ્મી અને મારી પત્ની હોસ્પિટલ ગયા હતા, ભાઈ ઘરે એકલો હતો, ગતરોજ તેના લગ્ન થયા હતા અને તેની પત્નીને તેના સાસરિયાવાળા લેવા આવ્યા હતા.

બધુ ખુશીથી ચાલી રહ્યું હતું, અમે હોસ્પિટલ ગયા ત્યારે ભાઈ ઘરે એકલો હતો અને તેણે આવું પગલું કેમ ભરી લીધું તે ખબર નથી, અમે બધા હસી ખુશીથી રહેતા હતા, તેણે તો અમને હોસ્પિટલ મોકલ્યા હતા.