Surat News: શહેરી ગરીબો અને મધ્યમવર્ગીય પરિવારો માટે પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા દિશામાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક ઐતિહાસિક પગલું ભરાયું છે. પાલિકાના ઇતિહાસમાં પહેલી જ વાર ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (PMAY 2.0 - AHP) અંતર્ગત EWS-II કેટેગરી હેઠળ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 2 BHK ફ્લેટ્સનું નિર્માણ કરવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ (DPR) મુજબ, શહેરના વિવિધ ઝોનમાં કુલ 3,262 જેટલા 2 BHK ફ્લેટ્સ અને 53 વ્યાપારી દુકાનો ઊભી કરવાનું ભવ્ય આયોજન છે.
કયા વિસ્તારોમાં ફલેટ્સ બનાવાશે?
સુરત શહેરમાં સુરત મહાનગર પાલિકા દ્વારા પ્રથમ વખત જુદા જુદા ઝોનમાં કુલ 3,262 જેટલા 2 BHK ફ્લેટ્સ અને 53 દુકાનો બનાવવા માટે વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ (DPR) તૈયાર કરીને મંજૂરી મેળવવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે. રૂ. 444.45 કરોડના જંગી ખર્ચે મંજૂર થયેલા પ્રાથમિક 2,930 આવાસો શહેરના પાંચ મુખ્ય પ્રાઇમ લોકેશન પર આકાર લેશે.
આ ઉપરાંત, પૂર્વ ઝોનમાં સરથાણા-પાસોદરા-લસકાણા ખાતે રૂ. 41.18 કરોડના ખર્ચે 260 આવાસો અને 7 દુકાનોનો DPR મંજૂરી અર્થે મોકલાયો છે, જ્યારે પશ્ચિમ ઝોનના પાલ ખાતે રૂ. 10.80 કરોડના ખર્ચે વધુ 72 આવાસોનું આયોજન પ્રક્રિયા હેઠળ છે.
- વેસુ (સાઉથ-વેસ્ટ ઝોન): 15,361 ચો.મી. જમીનમાં ₹127.03 કરોડના ખર્ચે સૌથી વધુ 856 આવાસો અને 21 દુકાનો.
- વેડ-કતારગામ (નોર્થ ઝોન): 14,035 ચો.મી. જમીનમાં ₹99.87 કરોડના ખર્ચે 656 આવાસો અને 5 દુકાનો.
- પાલનપુર (વેસ્ટ ઝોન): 9,881 ચો.મી. જમીનમાં ₹83.88 કરોડના ખર્ચે 550 આવાસો અને 12 દુકાનો.
- સરથાણા-વાલક (ઈસ્ટ ઝોન-બી): ₹84.36 કરોડના ખર્ચે 548 આવાસો.
- અલથાણ-સાઉથ: ₹49.30 કરોડના ખર્ચે 320 આવાસો અને 8 દુકાનો.
જરૂરિયાતમંદ નાગરિકોને મોટો લાભ
આ પ્રોજેક્ટ વિશે વાત કરતા સુરત મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સિટી ઈજનેર મહેશ ચાવડાએ જણાવ્યું હતું કે,
સુરત શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ પ્રથમવાર છે જ્યારે 2 BHK પ્રકારના સુવિધાસભર મકાનોનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ સામાન્ય રીતે નાના કદના આવાસો બનતા હતા, પરંતુ આ નવા આયોજનથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વધુ મોકળાશવાળી અને સુવિધાજનક જગ્યા મળશે, જેનાથી અસંખ્ય જરૂરિયાતમંદ નાગરિકોને સીધો અને મોટો લાભ થશે.
