Surat News: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હાલમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ અને હજીરા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઉપરાંત નવસારીમાં પણ મરોલી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન સુરત અને નવસારી જિલ્લામાં માવઠાની શક્યતા છે.
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મૌસમે મિજાજ બદલ્યો છે, સુરત શહેરમાં આજે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસ એટલું ગાઢ હતું કે વિઝિબિલિટી ઓછી થવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, વહેલી સવારથી જ આખું શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું.
બીજી તરફ સુરત શહેરમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. હજીરા ગામ તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અચાનક વરસાદી માહોલને લઈને નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો.
બીજી તરફ નવસારીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મરોલી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. શિયાળાની ઋતુમાં અચાનક આવેલા વરસાદને કારણે નવસારીથી સુરત દરરોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને અન્ય મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને લીધે રસ્તાઓ પર ભીનાશ અને વાતાવરણમાં આવેલા પલટાએ મુસાફરોની હાલાકીમાં વધારો કર્યો હતો.
