Gujarat Weather Update: ગુજરાતમાં આજે રાતથી નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે, અને લોકો નવા વર્ષને આવકારવા થનગની રહ્યા છે. તેવા સમયે જ માવઠાએ પણ મોકાણ સર્જી છે. આજે વર્ષના અંતિમ દિવસે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી છે. હવામાન વિભાગ દ્વારા પણ આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
દ્વારકા અને પોરબંદરમાં કમોસમી વરસાદ વરસ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક સ્થળોએ અમીછાંટણા સાથે ઠંડીનું જોર પણ વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક સ્થળોએ હળવા છાંટા વરસ્યા હતા.
ડબલ ઋતુનો અનુભવ, હળવા વરસાદની આગાહી
ગુજરાતમાં શિયાળાની જમાવટ થાય તે પહેલાં જ કુદરતે મિજાજ બદલ્યો છે. રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન વાતાવરણમાં મોટા પલટાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે સૂર્યનારાયણના દર્શન પણ મોડા થયા હતા. બદલાતા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર પણ વધતા જનજીવન પ્રભાવિત બન્યું છે. આ પરિસ્થિતિમાં તાવ, શરદી જેવા વાઇરલ રોગોનું પણ પ્રમાણ વધ્યું છે.
માવઠાની સ્થિતિ કેમ સર્જાઈ?
વાતાવરણના ઉપરના સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન અને નીચા દબાણની રેખા સર્જાતા વાદળોની ઘનતા વધી છે, જે માવઠાની સ્થિતિ પેદા કરી રહી છે. વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જેનાથી ઠંડીમાં આંશિક રાહત મળી છે.
મેટ્રોસિટીનું લઘુતમ તાપમાન
આ દરમિયાન ગત રાત્રિના અમદાવાદમાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. રાજ્યમાંથી અન્યત્ર નલિયામાં 12.6, અમરેલીમાં 13.2, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 14.2, વડોદરામાં 15, ભાવનગરમાં 15.6, સુરત-ભુજમાં 15.7 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
