Surat: ઓકટોમ્બર મહિના દરમિયાન પડેલા કમોસમી વરસાદના કારણે થયેલી પાક નુકશાની માટે રાજય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના ખેડુતો પાસેથી કૃષિ સહાય પેકેજ હેઠળ સહાય મેળવવા માટેની અરજીઓ મંગાવવામાં આવી હતી. તા.5મી ડિસેમ્બરની સ્થિતિએ 19295 અરજીઓ પૈકી 5589 ખેડુતોને રૂા.11.27 કરોડની સહાયનું ચુકવણું કરવામાં આવ્યું છે.
સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીતે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા અરજી થયાના માત્ર 10 દિવસમાં જ ઝડપથી ચુકવણું કરવામાં આવી છે. જેમ જેમ વિગતો આવે છે તેમ તેમ ખેડુતોના ખાતામાં સહાયની ચુકવણી કરવામાં આવી રહી છે. આગામી અઠવાડિયામાં સહાયની તમામ રકમ ખેડુતોના ખાતામાં જમા થઈ જશે.
તા.5મી ડિસેમ્બર સુધીની વિગતો આપતા કહ્યું હતું કે, બારડોલી તાલુકામાંથી આવેલી 544 અરજીઓ પૈકી 239 ખેડુતોને રૂા.41.83 લાખની સહાય, ચોર્યાસી અને સુરત સીટીના તાલુકામાંથી 422 અરજીઓ પૈકી 41 ખેડુતોને રૂા.11.31 લાખ, કામરેજની 112 અરજીઓ પૈકી 54 અરજદારોને રૂા.9.49 લાખની સહાય, મહુવા 2585 અરજીઓ પૈકી 1097 ખેડુતોને રૂા.1.75 કરોડ, માંડવી તાલુકાના 3732 અરજીઓ પૈકી 1097 ખેડુતોને રૂા. 1.59 કરોડ, માંગરોળ તાલુકાના 2564 અરજીઓ પૈકી 316 ખેડુતોના ખાતામાં 77.71 લાખ, ઓલપાડમાંથી આવેલી 5941 અરજીઓ પૈકી 2006 ખેડુતોના ખાતામાં 4.91 કરોડ, પલસાણાની 257 અરજીઓ પૈકી 86 ખેડુતોને રૂા.23.56 લાખ, ઉમરપાડાની 3138 અરજીઓ પૈકી 643 ખેડુતોના ખાતામાં રૂા.1.37 કરોડની સહાય જમા થઈ ચુકી છે.
