Unseasonal rain: ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદના વાદળ ઘેરાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેની અસર મધ્ય ગુજરાત અને અમદાવાદ સુધી વર્તાઈ છે. ભર શિયાળે વરસાદી માહોલ જામતા ખેડૂતો ફરી ચિંતામાં મૂકાયા છે. બીજી તરફ પોરબંદરમાં વહેલી સવારે માવઠું થયું હતું.
ભરશિયાળે કમોસમી વરસાદની વકી
અગાઉ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં ગુજરાતભરમાં કમોસમી વરસાદ (Unseasonal rain) વરસ્યો હતો. ત્યારે ફરી એકવાર ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં પણ ઠંડીના ચમકારા વચ્ચે વરસાદી ભેજ અનુભવાઈ રહ્યો છે. પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં આજે સવારે માવઠું થયું હતું.
દ્વારકા-ખંભાળિયામાં પર માવઠું
આ ઉપરાંત દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સાથે જ ખંભાળિયામાં પણ હળવો વરસાદ થયો હોવાનો સમાચાર છે. આ વિસ્તારમાં વરસાદી છાંટા પડતા મુખ્યત્વે ખેડૂતો પરેશાન થયા છે. હજી પાક નુકસાનમાંથી માંડ ઉભા થયેલા ખેડૂતોને ફરી પાકમાં નુકસાન થવાની ભીતિ છે.
આગામી 48 કલાક વરસાદ માહોલ રહેશે
હવામાન વિભાગે પણ કમોસમી વરસાદને લઈને આગાહી (forecast) કરી છે. જે અનુસાર ગુજરાતભરમાં આગામી 48 કલાક માટે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. પોરબંદર અને કચ્છમાં આગામી ત્રણ કલાક વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આથી લોકો ડબલ ઋતુનો અનુભવ કરશે.
