Surat Student Protest: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલ પરિસરમાં વિદ્યાર્થીનીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ભોજનની ગુણવતા, પાણી સહિતના મુદ્દે વિદ્યાર્થિનીઓમાં રોષ જોવા મળ્યો હતો અને ખાલી થાળીઓ સાથે ધરણા પર બેસી ગઈ હતી.
સમરસ છાત્રાલયની વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધાવ્યો
સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ રાત્રિના સમયે થાળીઓ લઈને પરિસરમાં ધરણા પર બેસી ગઇ હતી. હોસ્ટેલમાં પીરસાતા ભોજનની ખરાબ ગુણવત્તા, પાણીના પ્રશ્ન સહિતની માંગોને લઈને વિદ્યાર્થિનીઓ ધરણા પર બેસીને સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. વિદ્યાર્થીનીઓની માંગ હતી કે, તેઓની આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે.
વિદ્યાર્થિનીઓએ લગાવ્યો ગંભીર આક્ષેપ
વિદ્યાર્થિનીઓએ આક્ષેપ લગાવતા જણાવ્યું કે, હોસ્ટેલમાં જમવાનું બરાબર મળતુ નથી. સમયસર પાણી આવતું નથી. બીજા દિવસે ક્યારે પાણી આવતું બંધ થઈ જાય તેની કોઈ ગેરંન્ટી નથી. અમારા જમવામાં ઘણીવાર ઈયળ પણ નીકળે છે. આથી અમે રોજ ખાલી બટેકા ખાઈએ છીએ. બીજું કોઇ શાક અમે લોકો ખાતા નથી.
સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગ કરી
વધુમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, બટેકાના શાકમાં તેલ છે કે તેલમાં બટેકા એ જ ખબર ન પડે! ઉપરાંત શાકમાં પણ ખૂબ જ પાણી નાખવામાં આવે છે. દાળમાં કોઈ દિવસ મસાલો ન હોય, તો ક્યારેક દાળ ખૂબ જ મસાલેદાર બનાવી દેવામાં આવે. રોટલી પણ ખાવા લાયક નથી હોતી. આ તમામ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે અને અમને તારી આપો કે, આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે. આમ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ ધરણા કરીને પોતાની માંગ રાખી છે.
