Surat Suicide News: સુરત શહેરમાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધાની કરુણ ઘટના સામે આવી છે. ઉત્રાણ વિસ્તારમાં રહેતા એક પરિવારની ધો.10માં અભ્યાસ કરતી દીકરીએ ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. વિદ્યાર્થીનીને ભણવામાં સહેજ પણ રસ નહોતો. પરંતુ માતા-પિતા દ્વારા ધો.10 પાસ કરી લેવા સમજાવ્યું હતું. આવી વિગત જાણવા મળી છે. દીકરીએ આપઘાત કરી લેતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
ધોરણ 10ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો
મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વતની અને હાલમાં સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા રમેશભાઈ કથીરિયા હીરાના કારખાનામાં કામ કરીને બે દીકરી અને એક દીકરા સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 14 વર્ષની દીકરી ધો,10માં અભ્યાસ કરતી હતી. દીકરીને ભણવામાં રસ ન હતો. જેથી પરિવારે ધો. 10 પાસ કરી લે ત્યારબાદ તારી ઈચ્છા ન હોય તો ભણવા જઈશ નહી તેમ કહ્યું હતું. તેમ છતાં દીકરીએ ઘરે ફાંસો ખાઈ લીધો હતો.
ફરજ પરના તબીબે મૃત જાહેર કરી
ગંભીર સ્થિતિ દીકરીને પરિવારજનો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. પરંતુ ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. દીકરીએ પોતાની સ્યુસાઇડ નોટમાં હું મારી મરજીથી પગલું ભરું છું, મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી તેવો ઉલ્લેખ કર્યો હોવાનું પરિવારે જણાવ્યું હતું. વ્હાલસોયી દીકરીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ મામલે ઉત્રાણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
