Surat News: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આમલીડાબડા ગામમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ ભારે આતંક મચાવ્યો હતો. જે આખરે વન વિભાગની જાળમાં ફસાઈ ગયો છે. વનવિભાગ દ્વારા વ્યૂહાત્મક રીતે ગોઠવવામાં આવેલા પાંજરામાં દીપડો કેદ થઈ જતાં સ્થાનિક રહીશો સહિત વનકર્મીઓએ પણ મોટી રાહત અનુભવી છે.
દીપડાએ ગાયનો શિકાર કર્યો
મળતી વિગતો મુજબ, થોડા દિવસો પૂર્વે આમલીડાબડા ગામના રહેણાંક વિસ્તારમાં એક ઘર પાસે બાંધેલી ગાય પર દીપડાએ ઘાતક હુમલો કરીને મારણ કર્યું. માનવ વસ્તીની બિલકુલ નજીક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
વન વિભાગના પાંજરામાં દીપડો ફસાયો
ઘટનાની ગંભીરતા સમજીને વનવિભાગની ટીમે ગાયના મારણ વાળા સ્થળ નજીક જ પાંજરું ગોઠવી દીધું હતું. દરમ્યાન દીપડો ફરીથી શિકારની શોધમાં આ વિસ્તારમાં આવ્યો હતો અને વન વિભાગે ગોઠવેલા પાંજરામાં ફસાઈ ગયો હતો. દીપડો પકડાયા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં તેને જોવા માટે ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. વનવિભાગની ટીમે નિયમાનુસાર દીપડાનો કબજો મેળવી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
દીપડાના ત્રાસમાંથી મુક્તિ મળતા ગ્રામજનોએ વનવિભાગની ત્વરિત કામગીરીને બિરદાવી સરાહના કરી હતી. ઉલ્લેખનીય છે કે, આમલીડાબડા ગામમાં દીપડાનો આ ભય નવો નથી, ભૂતકાળમાં પણ આ જ ગામમાં દીપડાએ એક સ્થાનિક ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો હોવાના કિસ્સા નોંધાઈ ચૂક્યા છે.
