સુરતીઓની આતુરતાનો અંત: સુરત–ઉદયપુર વંદે ભારતનું રેક સુરત પહોંચ્યું, જાણો ક્યારથી શરૂ થશે સેવાઓ

સુરતીઓની આતુરતાનો અંત! સુરત–ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનું અદ્યતન રેક સુરત આવી પહોંચ્યું છે. જાણો ટ્રેનનું શિડ્યૂલ, મેઈન્ટેનન્સ પ્લાન અને ક્યારથી શરૂ થશે નિયમિત સેવાઓ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 28 Sep 2026 01:12 PM (IST)Updated: Mon, 28 Sep 2026 01:12 PM (IST)
surat-udaipur-vande-bharat-express-rake-arrives-surat-start-october-3

Surat Udaipur Vande Bharat Express: સુરતીઓ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા, તે સુરત–ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનું અદ્યતન રેક આખરે સુરત આવી ગયું છે. અહીં રેલવેના ટેકનિકલ અને મિકેનિકલ સ્ટાફ દ્વારા ટ્રેનનું ફાઇનલ ઇન્સ્પેક્શન, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને સલામતી સંબંધી તમામ જરૂરી પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ ટ્રેન સેવા શરુ થ,શે જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સુરત- ઉદયપુર વંદે ભારતનું રેક સુરત પહોંચ્યું

રેલવે બોર્ડ દ્વારા ગત 31 ઓગસ્ટે ટ્રેન નંબર 26903/04 સુરત–ઉદયપુર–સુરત વંદે ભારતને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, આ મંજૂરી બાદ પશ્ચિમ રેલવેના મિકેનિકલ વિભાગ દ્વારા સુરતમાં ટ્રેનના મેઈન્ટેનન્સને લઈને કવર્ડ પિટ, રૂફ વર્કિંગ પ્લેટફોર્મ, 650 વોલ્ટ પાવર સપ્લાય, સેન્ટ્રલાઇઝ્ડ કોમ્પ્રેસ્ડ એર, બોગી ડ્રોપ, વ્હીલ લેથ, સ્પેરપાર્ટ્સ અને સ્ટાફની તંગી જેવા 11 જેટલા મહત્વપૂર્ણ પડકારો અંગે રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે સુરત કોચિંગ ડિપોમાં નવેસરથી ફિઝિબિલિટી સર્વે કરાયો હતો.

રેલ્વે સ્ટાફ દ્વારા રેકનું પરીક્ષણ

ટ્રેન નંબર 26903નું રેક સુરત પહોંચતા જ તેને તાત્કાલિક ધોરણે સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા કોચિંગ યાર્ડના પિટ-1માં ખસેડવામાં આવ્યું હતું. હાલ રેલવેના ટેકનિકલ અને મિકેનિકલ સ્ટાફ દ્વારા ટ્રેનનું ફાઇનલ ઇન્સ્પેક્શન, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને સલામતી સંબંધી તમામ જરૂરી પરીક્ષણો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.

કેટલા દિવસ ટ્રેન દોડશે?

સુરતમાં સુવિધાઓની મર્યાદા વચ્ચે રેલવે તંત્ર દ્વારા એક વ્યવહારુ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થા મુજબ, વંદે ભારત ટ્રેન સપ્તાહમાં છ દિવસ દોડશે અને દર મંગળવારે તેનું સંચાલન બંધ રહેશે. મંગળવારના આ નોન-ઓપરેશનલ દિવસે ટ્રેનનું સાપ્તાહિક ડિટેઇલ મેઈન્ટેનન્સ ઉદયપુર ખાતે હાથ ધરાશે, જ્યારે બાકીના દિવસોમાં સુરતમાં પ્રાથમિક તપાસ અને દૈનિક જાળવણી કરવામાં આવશે.

પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ

આગામી સમયમાં સુરત ખાતે વંદે ભારત માટે તમામ આધુનિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું પણ આયોજન છે. મળતી માહિતી મુજબ, આગામી 2 ઓક્ટોબરના રોજ સુરતથી આ ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન યોજાશે અને 3 ઓક્ટોબરથી મુસાફરો માટે તેની નિયમિત સેવાઓ શરૂ થઈ જશે, જેને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.