સુરત મનપાની સરાહનીય કામગીરી: 'બાપ્પા'ને ચઢાવેલા ફૂલોથી બનાવાશે ઓર્ગેનિક ખાતર, જાણો સમગ્ર વિગત

સુરત શહેરમાં ગણેશોત્સવ દરમિયાન અર્પણ થયેલા 40 મેટ્રિક ટન ફૂલોમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જાણો સુરત મનપાની આ સરાહનીય કામગીરી વિશે વિગતવાર.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 28 Sep 2026 01:03 PM (IST)Updated: Mon, 28 Sep 2026 01:03 PM (IST)
surat-smc-making-organic-fertilizer-from-ganpati-bappa-puja-flowers-waste-management

Surat News: સુરત શહેરમાં ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાની આરાધનામાં અર્પણ થયેલા હજારો ફૂલો હવે તાપી નદીને પ્રદૂષિત કરવાને બદલે ધરતીને ફળદ્રુપ બનાવવાનું કામ કરશે. શહેરમાં ગણેશ સ્થાપના, પૂજા-અર્ચના, શણગાર અને વિસર્જન દરમિયાન એકત્ર થયેલા આશરે 40 મેટ્રિક ટન ફૂલોના જથ્થાને પાલિકા દ્વારા વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવ્યો છે, જ્યાં જૈવિક પ્રક્રિયા દ્વારા આ ફૂલોમાંથી કુદરતી ખાતર તૈયાર કરવામાં આવી રહ્યું છે.

'બાપ્પા'ને ચડાવેલા ફૂલોનું બનશે ખાતર

ગણેશોત્સવ દરમિયાન શ્રીજીની પૂજામાં અર્પણ થયેલા ફૂલોનો સદ્ઉપયોગ કરાશે. ગણેશ સ્થાપના, પૂજા-અર્ચના, શણગાર અને વિસર્જન દરમિયાન એકત્ર થયેલા ફૂલોને પાલિકાએ અલગ એકત્ર કરી વર્મીકમ્પોસ્ટ બનાવવામાં ઉપયોગમાં લેવાશે. સમગ્ર શહેરમાંથી આશરે 40 મેટ્રિક ટન ફૂલોનો જથ્થો એકત્ર થયો છે, જેને વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટમાં પહોંચાડીને ખાતર બનાવાશે. 40 ટન પૈકી અંદાજે 21 હજારથી 25 હજાર કિલો એટલે કે 21-25 ટન ફૂલો કુદરતી ખાતર બનાવવામાં ઉપયોગી બનશે.

શા માટે લેવાયો નિર્ણય?

અગાઉ ગણેશ પૂજા બાદના ફૂલોને સીધા નદીમાં પધરાવવામાં આવતા હોવાથી ગંભીર જળપ્રદૂષણની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાએ વર્ષ 2018થી ગણેશોત્સવના ફૂલોમાંથી વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવાની અનોખી પહેલ શરૂ કરી છે, જે અંતર્ગત ચાલુ વર્ષે પણ ચોક બજાર અને કતારગામ વિસ્તારના પ્લાન્ટ ખાતે આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવોમાંથી પણ ફૂલોને અલગ તારવીને પ્લાન્ટ સુધી મોકલવામાં આવી રહ્યા છે.

સુરત પાલિકાનો અનોખો પ્રયોગ

ચાલુ વર્ષે પાલિકા દ્વારા ગણેશ ભક્તોને પૂજાના ફૂલો કચરા સાથે ન ભેળવવા વિશેષ અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં એકત્ર થયેલા 40 ટન જથ્થામાં પ્લાસ્ટિક અને અન્ય કચરો ભળી ગયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પ્લાન્ટ ખાતે ફૂલોને અન્ય કચરાથી અલગ કરવાની વધારાની મહેનત કરવી પડી રહી છે. આ મિશ્રણને કારણે સમગ્ર 40 ટન જથ્થો ખાતર માટે ઉપયોગી નહીં બને, પરંતુ અંદાજે 21 હજારથી 25 હજાર કિલો શુદ્ધ ફૂલોનો જથ્થો ખાતર બનાવવા માટે ઉપયોગી સાબિત થશે.

કેટલા દિવસ ચાલે પ્રક્રિયા?

આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. આશરે 70 દિવસની કુદરતી પ્રક્રિયા બાદ તૈયાર થનારા આ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા શહેરના બગીચાઓમાં વૃક્ષો અને છોડના ઉછેર માટે કરવામાં આવશે. પાલિકાની આ સરાહનીય પહેલથી લોકોની આસ્થા પણ જળવાઈ રહી છે અને સાથે સાથે પર્યાવરણની જાળવણીનો એક નવો માર્ગ ઊભો થયો છે.