Surat: કામરેજ તાલુકાના ઉંભેળ ગામે સ્નેચિંગ, વૃદ્ધ મહિલાની સોનાની માળા ઝૂંટવી બાઈક સવાર બે ઈસમો ફરાર

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Wed, 10 Apr 2024 04:01 PM (IST)Updated: Wed, 10 Apr 2024 04:01 PM (IST)
surat-two-bikers-absconding-after-snatching-snatching-gold-garlands-in-umbel-village-of-kamraj-taluka

Surat News: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે સ્નેચિંગની ઘટના સામે આવી છે. જેમાં કરિયાણું લઈને ઘરે પરત જઈ રહેલા એક વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની માળા ઝુંટવી બાઈક સવાર બે ઈસમો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામે રહેતા એક વૃદ્ધ મહિલા કરિયાણાની દુકાને સામાન લેવા ગયા હતા અને તેઓ સામાન લઈને ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર બે અજાણ્યા ઈસમો તેઓની પાસે આવ્યા હતા અને વૃદ્ધાએ ગળામાં પહેરેલી 27.950 ગ્રામની 89 હજાર રૂપિયાની કિંમતની સોનાની માળા ખેંચી ત્યાંથી ધૂમ સ્ટાઇલમાં ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાના CCTVમાં જોઈ શકાય છે કે, વૃદ્ધ મહિલા પગપાળા આવી રહ્યા હતા. તે દરમિયાન એક બાઈક પર બે ઈસમો આવ્યા હતા. જેમાં એક ઇસમે હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે બીજા ઇસમેં મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. તેઓ બાઈક પર વૃદ્ધ પાસે પહોંચ્યા હતા. અને વૃદ્ધ મહીલાના ગળામાંથી સોનાની માળાની સ્નેચિગ કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.