Surat News: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ખાંડ બજાર પાસે આજે સવારે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલા એક ઈટીપી (ETP) પ્લાન્ટની ટેંકમાં સફાઈ કામ અર્થે ઉતરેલા ચાર શ્રમિકોના ઝેરી ગેસની અસરના કારણે ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો મુજબ, વરાછા ખાંડ બજાર નજીક આવેલા ઈટીપી પ્લાન્ટની અંદર આજે સવારે ચાર શ્રમિકો ટેંકની સફાઈ કરવા માટે અંદર ઉતર્યા હતા. સફાઈ કામગીરી દરમિયાન અચાનક જ ટેંકની અંદર કોઈ ઝેરી ગેસની અસરના કારણે ચારેય શ્રમિકો ગૂંગળાવા લાગ્યા હતા. ઝેરી ગેસની તીવ્ર અસરને કારણે ચારેય શ્રમિકો ટેંકની અંદર જ જોતજોતામાં બેભાન થઈ ગયા હતા.
ફાયર વિભાગને સવારે 10.22 વાગ્યે કોલ કરીને એવી માહિતી આપવામાં આવી હતી કે ટેંકમાં એક વ્યક્તિ ફસાયો છે. જો કે, ફાયર બ્રિગેડની ટીમ જ્યારે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું, ત્યારે ટેંકની અંદરથી એક નહીં પરંતુ ચાર વ્યક્તિઓ બેભાન અને ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ ચારેય લોકોને બહાર કાઢ્યા હતા.
ટેંકમાંથી બહાર કાઢવામાં આવેલા ચારેય શ્રમિકો તદ્દન બેભાન હોવાથી તેમને તાત્કાલિક ૧૦૮ અને ફાયરની મદદથી સારવાર અર્થે સ્મીમેર (SMIMER) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ ચારેય શ્રમિકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ પરિસરમાં શ્રમિકોના મોતના સમાચાર મળતા જ ગમગીનીભર્યો માહોલ સર્જાયો હતો.
સેફટી પ્રોટોકોલનું પાલન થયું નથી, ડીટેલ તપાસ થશે
ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે સુરત શહેરના અશ્વિની કુમાર એરિયામાં જવેલરીનું કારખાનું છે ત્યાં જ્વેલરીની સાફ સફાઈ થાય છે ત્યાં સેફટી ટેંકની દર બે મહિનામાં સફાઈ થાય છે ત્યાં આજે સવારે ટોટલ ૪ લોકો જેમાં એક સુપર વાઈઝર અને ૩ લેબર ટેંકમાં ઉતર્યા હતા અને ચારેય લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, આમાં તપાસ કરી રહ્યા છે કે કોની બેદરકારી છે, પ્રાથમિક તપાસમાં સેફટી પ્રોટોકોલનું પાલન થયું નથી આમાં ડીટેલ તપાસ થશે અને હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં શું પ્રોટોકોલ હોવા જોઈએ અને તે બાદ જવાબદારી નક્કી કરવામાં આવશે.
બહાર કાઢ્યા ત્યારે બેભાન અવસ્થામાં હતા
ડીવીઝનલ ફાયર ઓફીસર ખડિયા રણજીતસિંહએ જણાવ્યું હતું કે ખાંડ બજાર સ્થિત રતી જવેલર્સ છે ઇન્ડસ્ટ્રીઝ એકમ છે અહિયાં ગોલ્ડ અને જવેલ્સનું કામ ચાલતું હોય અને વેસ્ટેજ વસ્તુ હોય તેને ઇટીપી પ્લાન્ટની અંદર રો મટીરીયલ ભેગું થાય છે આજે સફાઈ માટે કોન્ટ્રકટરના લેબરો બોલાવ્યા હતા જેમાં 4 લોકો અંદર પડી ગયા હતા પરંતુ ફાયર વિભાગને એક જ વ્યક્તિ પડી ગયો છે એવો મેસેજ આપેલો હતો. ઘટના સ્થળે તપાસ કરતા 4 વ્યક્તિ અંદર પડી ગયેલા હતા અને તેઓને બહાર કાઢી સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ચારેય લોકોને બહાર કાઢ્યા ત્યારે બેભાન અવસ્થામાં હતા અને તેઓએ સેફટીની કોઈ વસ્તુ પહેરી ન હતી અને આજુબાજુ તપાસ કરતા પણ કઈ મળ્યું નથી.
મૃતકોના નામ
- નિમેષ વિઠ્ઠલભાઈ સાવલિયા (સુપરવાઈઝર-ઉં.વ.26)
- વિકાસ કુમાર સંતોષભાઈ સોનાવણે (ઉં.વ.24)
- વિજય ભીખાભાઈ આહિરે (ઉં.વ.24)
- યોગેશ નાનાભાઈ જાદવ
