Ambaji Bhadarvi Poonam Fair 2026: શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા આરાસુરી જગતજનનીના ધામ અંબાજી ખાતે પૂનમના મીની મહાકુંભ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. સાત દિવસીય આ મેળામાં ગુજરાત સહિત દેશભરના વિવિધ પ્રાંતોમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ અંબાજી ખાતે માતાજીના ચરણ પખાળવા અને નવરાત્રીનું નિમંત્રણ આપવા માટે કઠીન યાત્રાએ નીકળ્યા છે. આ દરમિયાન સુરતથી નીકળેલી વિશેષ સાયકલ યાત્રા દાંતા હાઇવે પર પહોંચી હતી, જ્યાંથી હજારો માઈભક્તોએ માતાજીના રથ સાથે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું.
છેલ્લા 12 વર્ષથી અંબાજી સાયકલ યાત્રા
સંઘના સભ્ય પટેલ વિપુલે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 12 વર્ષથી સાયકલ લઈને અંબાજી આવે છે. યાત્રા દરમિયાન પ્રથમ દિવસે કરજણ ખાતે બપોરનો હોલ્ટ અને નવસારી ખાતે રાત્રિ રોકાણ રહે છે, જે પ્રથમ દિવસે 170 કિમી અંતર કાપે છે. ત્યારબાદ બીજા દિવસે 120 કિમી અંતર કાપી અમદાવાદ અને ત્રીજા દિવસે 100 થી 110 કિમી કાપી વિસનગર ખાતે રાત્રિ રોકાણ કરે છે. ચોથા દિવસે દાંતા ખાતે રોકાણ કર્યા બાદ સવારે 10:00 વાગ્યા આસપાસ અંબાજી પહોંચી મંદિરે તેમજ ગબ્બર પર દર્શન કરી પરત સુરત તરફ રવાના થાય છે.
પટેલ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા આયોજન
મૂળ હારિજ ગામના માઈભક્તો પહેલા 7 વર્ષ સુધી પગપાળા યાત્રા કરતા હતા, પરંતુ ત્યારબાદ નવી રીતે દર્શન કરવાના વિચાર સાથે સુરતથી સાયકલ યાત્રા શરૂ કરી હતી. આયોજક વિક્રમભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પટેલ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 17 તારીખે સુરતથી નીકળેલો સંઘ 23 તારીખે અંબાજી પહોંચશે. આ યાત્રામાં કુલ 52 શ્રદ્ધાળુઓ જોડાયા છે, જેમના માટે એક છોટા હાથી, એક આઇશર અને બે એક્ટિવા વાહનો સામાન તેમજ સ્વયંસેવકોની સુવિધા માટે સાથે રાખવામાં આવ્યા છે.
સંઘમા 52 લોકો જોડાયા
અન્ય સભ્ય ભાવેશ ચૌધરીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં માત્ર 9 સભ્યોથી આ યાત્રાની શરૂઆત થઈ હતી. દર વર્ષે નવા 5 થી 10 સભ્યો ઉમેરાતા ગયા અને આજે સંઘ 52 લોકોનો થયો છે. આ યાત્રાના વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતા હોવાથી આ વર્ષે પણ બે નવા સભ્યો સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયા છે. આગામી સમયમાં પણ જે કોઈ શ્રદ્ધાળુઓ આ સાયકલ યાત્રામાં જોડાવવા માગતા હોય તેઓ સોશિયલ મીડિયા દ્વારા ગ્રુપનો સંપર્ક કરી શકે છે.
