સુરત પલ્સ પોલિયો અભિયાનઃ આરોગ્યની 154 અને 3372 વર્કરો દ્વારા ઘરે ઘરે જઇ રસીકરણ કરાશે

સુરતના કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી ‘પલ્સ પોલિયો અભિયાન-2026’નો શુભારંભ કરયો છે. કુલ 1.96 લાખ બાળકોને પોલિયો વિરોધી રસી આપવાનો લક્ષ્યાંક છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 22 Nov 2026 02:42 PM (IST)Updated: Sun, 22 Nov 2026 02:42 PM (IST)
surat-news-pulse-polio-campaign-2026-begins-154-health-teams-for-doortodoor-vaccination

Surat News: આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી નાના બાળકોને પોલિયોની રસી આપી “પલ્સ પોલિયો અભિયાન-2026”નો શુભારંભ કરાવ્યો હતો. પોલિયો મુક્ત સમાજ અને રાષ્ટ્રના સંકલ્પ સાથે સમગ્ર દેશ અને રાજ્યમાં પ્રારંભાયેલા ત્રિ-દિવસીય ‘પોલિયો રસીકરણ અભિયાન’ અંતર્ગત 0-5 વર્ષનાં બાળકોને પોલિયો વિરોધી રસી આ૫વામાં આવશે.

બાળકોને અચૂક પોલિયોની રસી આપવા અનુરોધ

આ પ્રસંગે રાજ્ય આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, ‘સબ નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે’(SNID) હેઠળ આજે રાજ્ય સહિત સુરત જિલ્લામાં આખો દિવસ નાના બાળકોને પોલિયોની રસી આપવામાં આવશે. મંત્રીએ જિલ્લાના તમામ નાગરિકોને પોતાના સોસાયટી, મહોલ્લા સહિત વિવિધ જગ્યાએ સ્થિત પોલિયો રસીકરણ બૂથનો લાભ લઈ પોતાના 5 વર્ષ સુધીના બાળકોને અચૂક પોલિયોની રસી આપવા અનુરોધ કર્યો હતો.

2007 પછી પોલિયોનો એક ૫ણ કેસ નોંધાયો નથી

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, દેશભરમાં ચાલતા આ અભિયાનને કારણે વર્ષ 2007 પછી પોલિયોનો એક ૫ણ કેસ નોંધાયો નથી. તે જ રીતે રાજયભરમાં બાળકોની સલામતી માટે અને 11 ગંભીર રોગથી રક્ષણ આ૫વા માટે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. દેશમાંથી પોલિયોના આ ભયંકર અને યાતનાદાયક રોગની નાબૂદી થઈ ચૂકી છે, તેમ છતાં ભવિષ્યમાં પણ દેશનો કોઈ બાળક કે નાગરિક આ રોગનો ભોગ ન બને તે માટે સરકાર દ્વારા અત્યંત ગંભીરતાપૂર્વક તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં આ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એમ જણાવી રાજ્યનો એક પણ બાળક આ રસીકરણથી વંચિત ન રહે તેવી તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી.

બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરાશે

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ, સુરત જિલ્લામાં તા.22,23 અને 24ના ત્રિ-દિવસીય અભિયાનને સફળ બનાવવા આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અભિયાનના પ્રથમ દિવસે જિલ્લામાં કુલ 772 પોલિયો રસીકરણ બુથ કાર્યરત કરવામાં આવ્યા છે. તેમજ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની 154 ટીમો અને 3,372 વર્કરો દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈને રસીકરણથી બાકી રહી ગયેલાં બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

1,96,225 બાળકોને પોલિયો વિરોધી રસી આપવાનું લક્ષ્ય

આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં જન્મથી પાંચ વર્ષ સુધીનાં કુલ 1,96,225 બાળકોને પોલિયો વિરોધી રસી આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા વર્કર બહેનો અને આંગણવાડી કાર્યકરોના સંકલિત પ્રયાસો દ્વારા જિલ્લાના એકપણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલ, જિલ્લા અને તાલુકાના આરોગ્ય અધિકારીઓ, જિલ્લા અને તા.પંચાયતના સભ્યો, કામરેજના THO, કામરેજ CHCના સુપ્રિન્ટેન્ડન્ટ, મેડિકલ ઓફિસર અને સ્ટાફ સહિત તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.