સુરતવાસીઓ સાવધાન! તાપી નદીમાં મગર દેખાતા વન વિભાગ એલર્ટ, વિશેષ રેસ્ક્યુ કિટ સજ્જ કરી

નદીના પટ વિસ્તારમાંથી મગરની હિલચાલના વીડિયો અને માહિતી સામે આવતા રહ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 30 Aug 2026 03:56 PM (IST)Updated: Sun, 30 Aug 2026 03:56 PM (IST)
surat-tapi-river-crocodile-alert-forest-department-deploy-with-special-rescue-kit
Surat Tapi River Crocodile Alert

Surat Tapi River Crocodile Alert: સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં છેલ્લા કેટલાક સમયથી મગર જોવા મળ્યા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. સુરતમાં મગરનો કોઈ કુદરતી વસવાટ નથી, પરંતુ કોઝવે આસપાસ ફરી મગર દેખાયાની ચર્ચાએ જોર પકડતાં વન વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે.

મળતી માહિતી મુજબ, ગત મહિને તાપી નદીમાં માછીમારી દરમિયાન જાળમાં મગર ફસાઈ જવાની ઘટના બની હતી, જેથી નદીમાં મગરની સક્રિયતા હોવાની વાતને સમર્થન મળ્યું હતું. ત્યારબાદ પણ નદીના વિવિધ પટ વિસ્તારમાંથી મગરની હિલચાલના વીડિયો અને માહિતી સામે આવતા રહ્યા છે.

સુરતમાં નિયમિત મગર ન જોવા મળતા હોવાથી અગાઉ વન વિભાગ પાસે ખાસ સાધનો ઉપલબ્ધ નહોતા, પરંતુ  હવે વિભાગે અત્યાધુનિક રેસ્ક્યુ કિટ વસાવી લીધી છે. આ કિટમાં કેપ્ચર લૂપ, સ્પેશિયલ ટ્રેપ (પાંજરું), મજબૂત દોરડા, હાર્નેસ અને નેટ ઉપરાંત મગરની આંખ ઢાંકવાનું કવર તથા રેસ્ક્યુ ટીમના બચાવ માટે હેલ્મેટ, ગ્લવ્ઝ અને ગમબૂટ જેવા PPE કવચનો સમાવેશ થાય છે.

કોઈપણ ઈમરજન્સી કોલ મળતાં જ તાત્કાલિક પહોંચી શકાય તે માટે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જોકે, મગર દેખાયા બાદ તરત પાણીમાં ઉતરીજઈને લાંબા સમય સુધી સપાટી પર ન આવતો હોવાથી તેને ટ્રેક કરવો વન વિભાગ માટે મોટો પડકાર બન્યો છે.

આ સ્થિતિને જોતા વન વિભાગ દ્વારા નદી કાંઠે અવરજવર કરતા નાગરિકો અને માછીમારોને ઊંડા પાણીમાં ન જવા અને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. જો ક્યાંય પણ મગર નજરે પડે તો જાતે પકડવાનો પ્રયાસ કરવાને બદલે તાત્કાલિક ચોક્કસ સ્થળ, સમય અને દિશાની વિગતો સાથે વન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.