Surat News:દમણના કચીગામ પોલીસ મથકમાં નોંધાયેલા મર્ડરના ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તેઓ દમણ ફરવા ગયા ત્યારે એક ઇસમ સાથે ઝઘડો થતા તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે સંઘ પ્રદેશ દમણના કચીગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 13/09/2026 ના રોજ હત્યાનો બનાવ બન્યો હતો આ મામલે ગત 15/09/2026 ના રોજ ગુનો નોંધાયો હતો. પોલીસે ગુનાના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસતા 3 શખ્સોની સંડોવણી જણાય આવી હતી અને આ ત્રણેય શખસો સુરતના હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ દમણ પોલીસની ટીમ સુરત આવી હતી અને ક્રાઇમ બ્રાંચની મદદ માંગી હતી અને ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે સીસીટીવી ફુટેજમાં દેખાતા ઇસમો વરાછા મોહનગર વિસ્તારમાં ફૂટપાથ પર રહે છે દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે વરાછા મોહન નગર ખાતેથી આરોપી શૈલેશ રાકેશ સોની (જાટવ) તથા સન્નીકુમાર રામસજીવન નિશાદ [કેવટને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીમાં શૈલેશ છૂટક મજુરી તથા સન્નીકુમાર હીરા ઘસવાનું કામ કરે છે.
આ પણ વાંચો
પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેઓ આજથી આશરે પંદરેક દિવસ પહેલા મિત્ર આનંદ પાંડે સાથે દમણ ફરવા માટે ગયા હતા ત્યારે એક ઇસમ સાથે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી અને તેને ઢીક્કાપાટુનો માર મારી તથા બાજુમાં પડેલા ઇટ અને લોખંડના સળિયા વડે માથાના ભાગે ઇજા પહોંચાડી ત્યાંથી નાસી છૂટ્યા હતા તેઓ ટ્રેન દ્વારા વાપીથી પ્રથમ અમદાવાદ અને ત્યારબાદ ત્યાંથી પરત સુરત આવ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીઓનો કબજો દમણ કચીગામ પોલીસને સોંપવામાં આવ્યો છે.
