Surat: વાલક પાટિયા નજીક ડાઘિયા શ્વાનોનો બાળક પર હુમલો, આખા શરીરે બચકાં ભરી લોહીલુહાણ કરી નાંખ્યો

વૉચમેનનો સાડા 3 વર્ષનો બાળક રમી રહ્યો હતો, ત્યારે 4 થી 5 રખડતા શ્વાનો આવી ચડ્યા અને બચકાં ભરવા લાગ્યા હતા. બાળકની બૂમો સાંભળીને દોડી આવેલા લોકોએ બચાવ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Feb 2026 05:01 PM (IST)Updated: Thu, 05 Feb 2026 05:01 PM (IST)
surat-stray-dogs-attack-3-year-old-child-near-valak-patiya-seriously-injured
HIGHLIGHTS
  • બાળકને શરીરમાં 30 થી 35 ટાંકા આવ્યા

Surat: સુરતમાં વધુ એક બાળક પર રખડતા શ્વાને હુમલો કરી આખા શરીરે બચકાં ભરતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. હાલ આ બાળકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેને શરીરના ભાગે 30 થી 35 ટાંકા આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરત શહેરના વાલક પાટિયા ખાતે આવેલ કરૂણેશ હોમ ગ્રીન વેલી ખાતે વોચમેન તરીકે કામ કરતા અને ત્યાં જ રહેતા હિમલ બાયકનો સાડા ત્રણ વર્ષનો પુત્ર ત્યાં રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ત્યાં 4 થી 5 રખડતા શ્વાનો આવી ચડ્યા હતા અને બાળક પર હુમલો કરી દીધો હતો.

અચાનક ધસી આવેલા શ્વાનોએ બાળકના શરીર અને માથાના ભાગે બચકાં ભરતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. બાળકની બૂમાબૂમ સાંભળી ત્યાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને શ્વાનની ચુંગલમાંથી બાળકને છોડાવ્યો હતો.

બાળક લોહીલુહાણ હોય તેને સારવાર અર્થે પહેલા ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યો છે. શ્વાનોએ બાળકને માથા અને શરીરના અલગ અલગ ભાગોમાં અનેક બચકા ભર્યા હતા.જેને કારણે તેને માથા અને શરીરના ભાગે 30થી 35 જેટલા ટાકા લાગ્યા છે. હાલમાં તે સારવાર હેઠળ છે.

બાળકના પિતા હિમાલભાઈએ જણાવ્યું હતું કે લસકાણા વાલક પાટિયા પાસે રહું છું અને આ ઘટના આજે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ બની છે, સોસાયટીની પાછળ ખેતરમાં દીકરો રમી રહ્યો હતો ત્યાંથી લઇને આવ્યા તો ફરી ગયો હતો અને ફરી પાછા લઈને આવ્યા તો ફરી ત્યાં ગયો હતો અને તે શું કરે છે તે જોવા ગયા ત્યારે 4 થી 5 કુતરાઓ તેને બચકા ભરી રહ્યા હતા, થોડો પણ લેટ થતે તો દીકરો મરી જતે,

દીકરાને ત્યાં દવાખાને લઇ ગયા ત્યાંથી સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા છે. બાળક હાલમાં સારવાર હેઠળ છે. પ્રસાશનને વિનંતી છે કે આવી ઘટના બીજા સાથે પણ બની શકે છે તો ત્યાં શ્વાનોની વ્યવસ્થા કરવામાં આવે જેથી બીજા કોઈ સાથે આવી ઘટના ન બને.