ગુજરાતના કલાકારો પર ટિપ્પણી કરી કોંગ્રેસ નેતા ચોતરફથી ઘેરાયા, હકાભા ગઢવીએ કહ્યું- 'બોલવામાં ભાન રાખો, બકવાસ બંધ કરો'

તમે કલાકારોનું જ નહીં, સનાતન ધર્મનું અપમાન કર્યું છે. તમારામાં તાકાત હોય, તો જે કલાકાર ના ગમતો હોય તેનું નામ લઈને બોલવાનું રાખજો: હકુભા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Feb 2026 04:43 PM (IST)Updated: Thu, 05 Feb 2026 04:43 PM (IST)
morbi-news-gujarati-folk-artists-demand-apology-after-lalji-desais-controversial-statement
HIGHLIGHTS
  • લાલજી દેસાઈએ ગુજરાતના એક-એક લોકકલાકારની માફી માંગવી જોઈએ: યોગેશ ગઢવી
  • કોંગ્રેસના નેતાઓએ ગુજરાતના વિકાસની ઈર્ષ્યા થઈ રહી છે: જીતુ વાઘાણી

Morbi: થોડા દિવસ અગાઉ મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂત સભા મળી હતી. જેમાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ દ્વારા ગુજરાતના લોકકલાકારોને લઈને અણછાજતી ટિપ્પણી કરવામાં આવી હતી. જેના કારણે હવે ગુજરાતી લોકકલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે કોંગ્રેસ નેતા પાસે માફીની માંગ કરી છે.

બોલતા પહેલા ભાન રાખો અને બકવાસ બંધ કરો: હકાભા
જાણીતા લોકકલાકાર હકુભા ગઢવીએ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈની ટિપ્પણીને વખોડી નાંખતા જણાવ્યું કે, તમે કલાકારો વિશે એલફેલ શબ્દો બોલી રહ્યા છો, જે મને કહેતા પણ શરમ આવે છે. આ રાજનેતાને બોલતા પણ નથી આવડતું. આથી કંઈ બોલતા પહેલા ધ્યાન રાખો અને બકવાસ કરવાનું બંધ કરી દો.

આ કલા જગત ખૂબ જ મોટું છે. આથી તમે દરેક કલાકારને સરખા ના ગણશો. જો તમારામાં તાકાત હોય, તો જે કલાકાર તમને ના ગમતો હોય, તેનું નામ લઈને બોલવાનું રાખો.

અમે કલાકારો સંસ્કૃતિને સાચવીને બેઠા છે. આથી બોલવામાં મર્યાદા જાળવો. જો કલાકારો કલા જગતમાંથી નિવૃતિ લેશે, તો સંસ્કૃતિનો નાશ થઈ જશે. તમે માત્ર કલાકારોનું જ નહીં, પરંતુ સનાતન ધર્મનું પણ અપમાન કર્યું છે. આજે તમામ કલાકારો તમને નફરત કરવા લાગ્યા છે.

જનતાએ નકારેલી કોંગ્રેસ હવે ઘાંઘી થઈને વલખા મારી રહી છે: જીતુ વાઘાણી
બીજી તરફ ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કોંગ્રેસ નેતાની આવી હીન કક્ષાની ભાષા ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારશે નહીં. કોંગ્રેસના લોકોને ગુજરાતના વિકાસની ઈર્ષ્યા થઈ રહી છે.

કેટલાક ચોક્કસ લોકોને ખુશ રાખવા ખાતર સત્તાથી દૂર અને જનતા દ્વારા નકારાયેલી કોંગ્રેસ હવે વલખા મારી રહી છે અને આવા પાયા વિહોણા નિવેદનો કરી રહી છે.

naidunia_image

અન્ય એક ગુજરાતી લોકકલાકાર યોગેશ ગઢવીએ પણ વીડિયો દ્વારા લાલજી દેસાઈના નિવેદનનો વિરોધ નોંધાવતા જણાવ્યું કે, તેઓ કોંગ્રેસની ઈટાલિયન સંસ્કૃતિ દર્શાવી રહ્યા છે. લાલજી દેસાઈએ ગુજરાતના એક-એક કલાકારની માફી માંગવી જોઈએ.

અંબાણી-અદાણીને ગુજરાતી કહીને અમારું નાક ના કપાવશો: લાલજી દેસાઈ
ગત 2જી ફેબ્રુઆરીના રોજ મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ ગુજરાતના ઉદ્યોગપતિઓનો ઉલ્લેખ કરીને લોકકલાકારો સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

જેમાં લાલજી દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતી એક ગીત છે. જેમાં કહે છે કે, ઉદ્યોગપતિ તાતા, અંબાણી અને અદાણી બધા ગુજરાતના.આજકાલના કલાકારો ભવાઈ કરે છે. જો કે આ બધા ગુજરાતીઓ ભેગા થઈને ગુજરાતને લૂંટે છે. જેને તમે ગુજરાતી કહીને અમારું નાક ના કપાવશો.