Surat Stamp Duty Fraud: રાજ્યસભાના સાંસદ અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર શ્રેયાંસ ધોળકિયા સાથે 76 લાખથી વધુની છેતરપિંડી થઈ છે. જમીન ખરીદી માટે ઈ-સ્ટેમ્પ પેપર મેળવવાના નામે થયેલા આ ફ્રોડ અંગે SRK કંપનીના મેનેજરે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં દંપતી વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જમીન ખરીદી માટે 76.44 લાખના સ્ટેમ્પ
મળતી વિગતો અનુસાર, કનુભાઈ બાલાભાઈ માલવીયા SRK કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. SRK કંપનીના ડાયરેક્ટર શ્રેયાંશ ગોવિંદભાઈ ધોળકિયાને પલસાણા ખાતે જમીન ખરીદવાની હતી. આ માટે વકીલ મહર્ષિભાઈ લાયવાલા મારફતે વર્ષ 2020 થી સરકારના એજન્ટ તરીકે જનરલ સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ ધરાવતા અને રાંદેર પાલનપુર પાટિયા ખાતે રહેતા રામકૃષ્ણ કિરીટકુમાર મેવાવાલા તથા તેમની પત્ની સલોની રામકૃષ્ણ મેવાવાલા પાસેથી ઈ-સ્ટેમ્પ પેપર ખરીદવામાં આવતા હતા.
રકમ મેળવ્યા બાદ સ્ટેમ્પ અન્યને ઈશ્યૂ કર્યા
વર્ષ 2025 માં જમીન ખરીદી અર્થે 7,644,900 રૂપિયાના સ્ટેમ્પ પેપરની જરૂરિયાત ઊભી થતાં સલોની મેવાવાલા અને રામકૃષ્ણ મેવાવાલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દંપતીએ સ્ટેમ્પ મળી જશે તેવો વિશ્વાસ આપીને પૂરી કિંમત પોતાના બેંક એકાઉન્ટમાં મેળવી લીધા હતા. જોકે, નાણાં મેળવી લીધા બાદ દંપતીએ સ્ટેમ્પ અન્ય વ્યક્તિને ઈશ્યુ કરી દીધા અને મળેલી રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. રકમ કે સ્ટેમ્પ પરત ન આપીનેવાયદા કર્યા બાદ દંપતીએ આપેલો ચેક પણ બાઉન્સ થયો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચે દંપતી સામે ગુનો નોંધ્યો
આ સમગ્ર મામલે છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં કંપનીના મેનેજર કનુભાઈ માલવીયાએ DCB પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે અધિકૃત ગવર્નમેન્ટ સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
