Surat: સુરતમાં SVNIT ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડ અને તેમની પત્નીને વડાપ્રધાન કાર્યાલય (PMO) માંથી 26 જાન્યુઆરીના કાર્યક્રમ માટે દિલ્હી આવવા આમંત્રણ મળ્યું છે.
સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડએ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા દેશના વીર શહીદોની વિગતો એકત્ર કરી રાખી છે. તેમની આ દેશભક્તિનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ પોતાના રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત'માં પણ કર્યો હતો. જીતેન્દ્રસિંહએ સિક્યુરિટીની ડ્યુટી સાથે પહેલા વિશ્વયુદ્ધ થી લઈને કારગિલ યુદ્ધ અને 2026 સુધી શહીદ થયેલા બે લાખથી વધુ શહીદો જવાનોની માહિતી એકત્રિત કરી છે
આ પણ વાંચો
સુરતમાં SVNIT ખાતે જીતેન્દ્રસિંહ રાઠોડ સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. 10 દિવસ પહેલા જયારે તેઓ એક લગ્ન પ્રસંગમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે વડાપ્રધાન કાર્યાલય (PMO)માંથી ફોન આવ્યો અને તેમને દિલ્હી સ્થિત 26 જાન્યુઆરીની પરેડના કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
PMOથી દિલ્હીનું તેડું આવ્યું, ત્યારે ખિસ્સામાં માત્ર 102 રૂપિયા જ હતા
જો કે તે સમયે જીતેન્દ્રસિંહ પાસે દિલ્હી જવાના પૈસા ન હતા અને તેમની પાસે માત્ર 102 રૂપિયા જ હતા, પરંતુ PMO દ્વારા જીતેન્દ્રભાઈ અને તેમની પત્નીની દિલ્હી જવાની અને પરત સુરત આવવાની ટિકિટ કરાવી દેવામાં આવી હતી. હવે સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ પહેલી વખત પોતાની પત્ની સાથે વિમાનમાં મુસાફરી કરશે
જીતેન્દ્રસિંહ રાઠોડ સિક્યુરીટી ગાર્ડ છે, પરંતુ તેમની દેશભક્તિ અસાધારણ છે. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને કારગિલ અને વર્ષ 2026 સુધીના 2 લાખથી વધુ શહીદ જવાનોની માહિતી અને ફોટા એકત્ર કર્યા છે. તેમણે માત્ર માહિતી જ નથી ભેગી કરી, પરંતુ હજારો શહીદ પરિવારોને પોસ્ટકાર્ડ લખીને પોતાની સંવેદના પણ વ્યક્ત કરી છે. તેમની આ નિઃસ્વાર્થ દેશભક્તિની નોંધ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ મહિના પહેલા 'મન કી બાત' કાર્યક્રમમાં લીધી હતી.
જીતેન્દ્રસિંહ રાઠોડને આ માહિતીને એક ભવ્ય શહીદ સ્મારક હોલનું સ્વરૂપ આપવા માંગે છે. તેઓ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં આ સ્મારક બનાવવાની ઈચ્છા રજૂ કરશે. તેમનું સપનું છે કે, આ હોલ દ્વારા દેશમાં નવા સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ તૈયાર થાય.
જવાન શહીદ થયા પછી પત્ર ઘરે પહોંચ્યો, લખ્યું- 'પિતાજી હું મજામાં છું'
દેશભક્ત એવા સિક્યોરિટી ગાર્ડ જિતેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું કે, યુદ્ધ દરમિયાન આપણા દેશમાં મોબાઈલ ફોન નહોતા. જવાન શહીદ થયા બાદ તેમનો પત્ર ઘરે પહોંચ્યો. જેમાં લખ્યું હતું - પિતાજી હું અહીં મજામાં છું, તમે કેમ છો તે લખજો. બસ ત્યારથી મેં પ્રણ લીધું કે, આ શહીદ જવાનનો છેલ્લો પત્ર નથી, તેમના પરિવારોને મારા પત્રો હંમેશા મળતા રહેશે. 15 પૈસાના પોસ્ટકાર્ડના જમાનાથી હું શહીદ પરિવારોને પત્રો લખતો આવ્યો છું.
2.07 લાખ શહીદોની જાણકારી, 24,300 શહીદોના ફોટાનું કલેક્શન
વધુમાં જણાવ્યું હતું કે મારી પાસે 2 લાખ 7 હજાર શહીદ જવાનોની જાણકારી છે. જેમાં પ્રથમ વિશ્વયુદ્ધના 76,000 શહીદો, બીજા વિશ્વયુદ્ધના (1939-1945) 80,001 શહીદો અને 1947થી આજ સુધીના આઝાદ ભારતના આશરે 25,000 શહીદોની વિગતો છે.
જેમાં BSF, CRPF, આસામ રાઈફલ્સ અને અન્ય સશસ્ત્ર દળોના તમામ શહીદોનો સમાવેશ થાય છે. મારા સંગ્રહમાં 24,300 શહીદોના ફોટા અને 300 જેટલા શહીદ જવાનોની મૂર્તિઓ પણ છે.
