સુરત : સચિનમાંથી નવજાત બાળકીનો મૃતદેહ ખાડીના પાણીમાંથી મળતા ચકચાર, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

સુરતના સચિન વિસ્તારમાં કોમ્યુનિટી હૉલ પાછળ કબ્રસ્તાન નજીક ખાડીના પાણીમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. સચિન પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 19 Sep 2026 01:10 PM (IST)Updated: Sat, 19 Sep 2026 01:10 PM (IST)
surat-sachin-newborn-baby-girl-body-found-creek-water

Surat News: સુરત શહેરમાં અગાઉ ઘણીવાર નવજાત શિશુઓના મૃતદેહ મળ્યાની આઘાતજનક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે સચિન વિસ્તારમાંથી વધુ આવી જ કરુણ ઘટના સામે આવી છે. સચિન વિસ્તારમાં ખાડીના પાણીમાંથી એક નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

નવજાત બાળકી મૃત અવસ્થામાં મળી

મળતી માહિતી મુજબ, સુરતના સચિન સ્થિત કોમ્યુનિટી હૉલની પાછળ કબ્રસ્તાનની બાજુમાંથી વહેતી ખાડીના પાણીમાંથી નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાને પગલે ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોનું ટોળું જોઈને ત્યાં પાલિકાના કર્મચારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે બાળકીનો મૃતદેહ જોતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે અજ્ઞાત આરોપી સામે ગુનો નોંધ્યો

બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃત બાળકીનો કબજો મેળવીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. માસૂમ ફૂલ જેવી બાળકીને તરછોડી દેનાર સામે લોકોએ ફિટકાર વરસાવી હતી. હાલ આ સમગ્ર મામલે સચિન પોલીસ દ્વારા ગુનો નોંધી બાળકી કોની છે અને કોણે તરછોડી તે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

કીમ વિસ્તારમાં તાજેતરમાં બનેલી ઘટના

તાજેતરમાં સુરત શહેરમાં કીમ પૂર્વ વિસ્તારમાં આવેલા કુડસદ ગામે તાજુ જન્મેલુ શિશુ મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. . જેને પગલે લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કોઈ અજાણી વ્યક્તિએ પોતાનું પાપ છુપાવવાના ઉદ્દેશ્યથી આ કૃત્ય આચર્યું હતું. આવા અનેક બનાવો સુરતમાં નોંધાઈ ચૂક્યા છે. જે દિશામાં પોલીસની કાર્યવાહી ચાલી રહી છે.