Surat Fake Ghee Factory: સુરત ગ્રામ્ય પોલીસ અને LCB દ્વારા કામરેજ તાલુકાના નવાગામ ખાતે નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે 'આરાધ્યા માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ' નામની ફેક્ટરીમાં દરોડા પાડીને પામ ઓઈલ અને વનસ્પતિ તેલમાંથી નકલી ગાયનું ઘી બનાવતા એક શખ્સની અટકાયત કરી છે.
નકલી ઘી બનાવતી ફેક્ટરી, કૌભાંડીની ધરપકડ
સુરત પોલીસે સુમુલ ડેરી રોડ પર રહેતા 40 વર્ષીય આરોપી કિરણ મોદીની ઘટનાસ્થળેથી અટકાયત કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીએ 2021 માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (FDCA) પાસેથી લાઇસન્સ મેળવ્યું અને છેલ્લા ત્રણ વર્ષથી લાઇસન્સની આડમાં આ નકલી ઘી બનાવવાનું ગોડાઉન ચલાવતો હતો.
દરોડા દરમિયાન પોલીસે 15 કિલો વનસ્પતિ તેલ ભરેલા 25 ડબ્બા, પામ ઓઈલના 7 ડબ્બા, નકલી ઘીના 3 ડબ્બા અને ઉત્પાદનમાં વપરાતી મશીનરી સહિત અંદાજે 3 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
નકલી ઘી બનાવવાની મોડસ ઓપરેન્ડી
આ કૌભાંડી બજારમાંથી સસ્તા ભાવે મળતું પામ ઓઈલ અને વનસ્પતિ ઘી જથ્થાબંધ ખરીદીને તેને મોટા બ્લેન્ડિંગ ટાંકા અને ઇલેક્ટ્રિક મોટરની મદદથી મિક્સ કરતો હતો. આ મિશ્રણમાં અમુક કેમિકલ એસેન્સ ઉમેરીને તેને ગેસના સગડા અને કેટલ મશીન દ્વારા ચોક્કસ તાપમાને ઉકાળવામાં આવતું હતું, જેથી તે જોવામાં અસલી ઘી જેવું જ દાણાદાર દેખાય.
ત્યારબાદ આ નકલી મિશ્રણને 1 લિટરના ટીનના ડબ્બા, પ્લાસ્ટિકની જાર અને પાઉચમાં ભરી, તેના પર 'ગાયનું શુદ્ધ ઘી' નું આકર્ષક લેબલ લગાવી બજારમાં વેચવામાં આવતું હતું. વધુ નફો કમાવવાની લાલચમાં આરોપી આ નકલી ઘી બજારભાવ કરતા સસ્તા દરે સ્થાનિક હોટલો, ડેરીઓ, સ્વીટ માર્ટ અને કરિયાણાના વેપારીઓને સપ્લાય કરતો હતો.
સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો: ડૉક્ટરની ચેતવણી
આ નકલી ઘી સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. ડૉ. ભાવેશના જણાવ્યા મુજબ, પામ ઓઈલ અને હાઈડ્રોજનેટેડ વનસ્પતિ તેલને જ્યારે ઊંચા તાપમાને ગરમ કરીને ઘી તરીકે લાંબો સમય વાપરવામાં આવે, ત્યારે તેમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ ખૂબ વધી જાય છે.
આ ઘી ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે, અને હૃદયની ધમનીઓ (Arteries) બ્લોક થઈ જાય છે. આ ઉપરાંત, આ નકલી ઘીમાં સુગંધ માટે વપરાતા કેમિકલ એસેન્સથી લીવર ડેમેજ અને કિડની ફેલ્યોર થવાનું પણ મોટું જોખમ રહેલું છે.
પોલીસ અને ફૂડ વિભાગની આગળની કાર્યવાહી
LCB સુરતના PI એન.જી. પંચાણીએ જણાવ્યું કે, ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે આ ભેળસેળવાળી પ્રોડક્ટને અસલી ગાયના ઘી તરીકે વેચવામાં આવી રહી હતી. પોલીસે ઘટના સ્થળેથી સેમ્પલ એકત્ર કરી લીધા છે, જેને FSL ખાતે મોકલવામાં આવ્યા છે.
FDCA ટીમ દ્વારા પણ જપ્ત કરાયેલ સામગ્રીના નમૂના લીધા છે અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
