Surat Fake Ghee Factory Raid: સુરતના ઉમરા વેલંજા અવસર પ્લાઝામાં આવેલી દુકાનમાંથી શંકાસ્પદ ઘીનું કારખાનું ઝડપાયું છે. પોલીસે રેડ કરીને 3.50 લાખની કિંમતનું ઘી તથા ઘી બનાવવાની સાધન સામગ્રી જપ્ત કરી છે. 'શ્રી સહજાનંદ' અને 'શ્રી ગજાનંદ' જેવી જાણીતી બ્રાન્ડના સ્ટીકરો મારેલા ડબ્બાઓમાં પેક કરી વેચાણ કરવામાં આવતું હતું. ફૂડ સેફટી ઓફિસર દ્વારા હાલ નમુના લઈને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ઉમરા વેલંજા અવસર પ્લાઝામાં આવેલી દુકાન નંબર 106 અને 108માં ધમધમતા ઘીના કારખાના પર પોલીસ અને મનપાના ફૂડ ઓફિસરોએ રેડ કરી હતી. અહી પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું કે દુકાન નંબર 106ને આધુનિક મશીનરી સાથેના કારખાનામાં ફેરવી દેવામાં આવી હતી, જ્યારે બાજુની દુકાન (108) નો ઉપયોગ તૈયાર માલના સંગ્રહ માટે સ્ટોર રૂમ તરીકે થતો હતો.
પોલીસે સ્થળ પરથી નિહાર ભરતભાઈ મોવલીયાને ઝડપી પાડ્યો હતો અને ત્યાંથી શંકાસ્પદ શ્રી સહજાનંદ ગાય ધી તથા શ્રી ગજાનંદ ગાય ધી બનાવી પ્લાસ્ટીકના નાના મોટા ડબ્બામા ભરેલા હતા. જેમા 100 મી.લી., 200 મી.લી., 500 મી.લી., તથા 1 લીટર તથા 15 લીટર તથા 15 કિ.ગ્રા ના કુલ્લે ડબ્બા નંગ-2228 મા કુલ્લે-583.800 લીટર ભરેલું હતું જેની કિમંત 3,50,280 રૂપિયા થાય છે.
આ ઉપરાંત પોલીસે શંકાસ્પદ ધી બનાવવા માટેની સાધન સામગ્રી જેમાં જેમીની સોયાબીન તેલના ડબ્બા, જેમીના ડાલડા ધીના ડબ્બા , હિટીંગ મશીન, સિલીગ મશીન , મોટુ તપેલુ, સગડી , ગેસ બોટલ ,વજન કાંટો , તાવીથો, સ્કાઇ આઇ કેરોટ કલરની બોટલ, ધી એસેસ ની બોટલ, થર્મોમીટર,20 એમ.એલ.નુ માપીયુ વિગેરે મત્તાનો મુદામાલ મળી આવેલ જે કુલ્લે કિ.રૂ.1,44,660/- મત્તા મળી કુલ્લે કિ.રૂ.4,94,940/- મત્તાનો મુદ્દામાલ ફુડ સેફ્ટી અધિકારીઓ દ્વારા સીઝ કરી તેમાથી નમુના લઇ આગળની તજવીજ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ છેલ્લા 18 મહિનાથી અવિરત ચાલી રહ્યું હતું. આ કેસમાં બે મુખ્ય સૂત્રધાર સામેલ છે. નિહાર ભરતભાઈ મોવલીયા (ઉં. 32) જે તૈયાર નકલી ઘીને સુરતના સ્થાનિક બજારોમાં સપ્લાય અને સેલિંગ કરવાનું કામ કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી લીધી છે. પીયૂષ વિઠ્ઠલભાઈ સાંગાણી (ઉં. 30) જે આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ સંભાળતો હતો. તે હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા ટીમો રવાના કરવામાં આવી છે.
ફૂડ સેફટી ઓફિસર બીઆર.બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે ઉમરા વેલંજા અવસર પ્લાઝામાં આવેલી દુકાનમાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઇ રહ્યું છે જેથી ત્યાં તપાસ કરીને નમુના લઈને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાનો લાગી રહ્યો છે અને તેમાં વેજીટેબલ ઓઈલની મિલાવટ થતી હોવાનું લાગી રહ્યું છે.
