Surat: દેશમાં લાંબા સમય એટલે કે 15 વર્ષના અંતરાલ બાદ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ડિજિટલ વસ્તી ગણતરીની મહાઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સરકારી પ્રક્રિયા વચ્ચે સુરત શહેરમાંથી કર્મચારીઓની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાષ્ટ્રીય મહત્વના આ કાર્ય પ્રત્યે સુરતની સરકારી (રાષ્ટ્રીયકૃત) બેંકોના કર્મચારીઓએ ભારે ઉદાસીનતા દાખવી છે. ટ્રેનિંગમાં સામૂહિક રીતે ગેરહાજર રહેલા 1,775 જેટલા કર્મચારીઓ સામે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ આકરૂ વલણ અપનાવી કાયદેસરની કાર્યવાહીના સંકેત આપ્યા છે.
ટ્રેનિંગના દિવસે જ આંકડો જોઈ મ્યુનિસિપલ કમિશનર ચોંકી ઉઠ્યા
આ વખતની વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ અને ટેકનોલોજી આધારિત હોવાથી, ફિલ્ડમાં કામ કરનારા સ્ટાફને એપ્લિકેશન અને ટેકનિકલ પાસાઓથી માહિતગાર કરવા ખૂબ જરૂરી છે. આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોન વિસ્તારોમાં એક દિવસીય ખાસ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ માટે તંત્ર દ્વારા વિવિધ નેશનલાઈઝ્ડ બેંકોના કુલ 1,997 કર્મચારીઓની ડ્યુટી લગાડવામાં આવી હતી.
પરંતુ, ટ્રેનિંગના દિવસે તંત્ર ત્યારે ચોંકી ઉઠ્યું જ્યારે 1,997 માંથી માત્ર 222 કર્મચારીઓ જ હાજર રહ્યા હતા. બાકીના 1,775 જેટલા કર્મચારીઓ કોઈપણ પૂર્વ મંજૂરી વગર તાલીમમાંથી ગેરહાજર નોંધાયા હતા.
શો-કોઝ નોટિસ ફટકારી
રાષ્ટ્રીય સ્તરની ફરજમાં આ પ્રકારની ગંભીર બેદરકારી અને શિસ્તભંગને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રએ સહેજ પણ ચલાવી ન લેવાનો નિર્ણય કર્યો છે. તંત્રએ તાત્કાલિક એક્શન મોડમાં આવીને તમામ ગેરહાજર 1,775 કર્મચારીઓને સત્તાવાર 'શો-કોઝ' (કારણ દર્શાવો) નોટિસ ફટકારી દીધી છે.
પાલિકાએ નોટિસમાં કડક શબ્દોમાં પૂછ્યું છે કે- દેશના આ અતિ મહત્વના કાર્યમાં બિનજવાબદાર વલણ દાખવવા બદલ તમારી સામે કાયદેસરના પગલાં કેમ ન લેવા? તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં કર્મચારીઓ તરફથી યોગ્ય અને સંતોષકારક ખુલાસો નહીં મળે, તો તેમની સામે સરકારી કામમાં રૂકાવટ અને નિયમોના ઉલ્લંઘન બદલ સીધી પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવામાં આવશે. પાલિકાના આ આકરા તેવરને પગલે સ્થાનિક બેંકિંગ આલમમાં અને કર્મચારી મંડળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સુરતમાં વસ્તી ગણતરી પર સ્ટાફની અછતનું સંકટ
એક તરફ કર્મચારીઓ કામ ચોરી કરી રહ્યા છે, તો બીજી તરફ સુરત શહેરમાં આ આખી કામગીરી પાર પાડવા માટે વહીવટી તંત્ર પહેલેથી જ સ્ટાફની ભારે તંગીનો સામનો કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ કુલ 15,800 કર્મચારીઓની જરૂરિયાત છે, ત્યારે હાલ 2300 કર્મચારીઓની ઘટ જોવા મળી રહી છે.
આ સ્ટાફ સંકટ વચ્ચે પણ હદ તો ત્યારે થઈ જ્યારે 900થી વધુ કર્મચારીઓએ માંદગી, સામાજિક કે અન્ય વ્યક્તિગત કારણો આગળ ધરીને આ રાષ્ટ્રીય ફરજમાંથી મુક્તિ મેળવવા માટે પાલિકાને અરજીઓ કરી દીધી છે. આ આશ્ચર્યજનક અરજીઓ કરનારાઓમાં પણ સૌથી મોટી સંખ્યા રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓની જ હોવાનું બહાર આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકાની કડક નોટિસ બાદ આ કર્મચારીઓ ફરજ પર પરત ફરે છે કે પછી તંત્રએ ખરેખર પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવા પડે છે.
