Surat Road Accident: સાયણ અને હજીરાને જોડતા આઉટર રિંગ રોડ પર ટ્રક ચાલકે મોપેડ સવાર બે બહેનપણીને અડફેટે લેતા એકનું મોત થયું છે. આજે અષાઢી બીજ હોવાથી બંને બહેનપણીઓ કોલેજથી ભગવાન જગન્નાથના દર્શને જતી હતી તે દરમ્યાન રસ્તામાં ટ્રક ચાલકે અડફેટે લેતા આ ઘટના બની હતી. ઈજાગ્રસ્ત એક યુવતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી બે બહેનપણીઓ રિયા કુંભાણી (18) ઉર્વિષા બાંભણિયા (20) B.Comમાં સાથે અભ્યાસ કરતી હતી. આજે કોલેજ પૂર્ણ થયા બાદ બંને બહેનપણીઓ અષાઢી બીજ નિમિતે જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે દર્શન કરવા મોપેડ પર નીકળી હતી.
તેઓ મોપેડ પર સાયણ અને હજીરાને જોડતા આઉટર રિંગ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે માંતેલા સાંઢની માફક ધસી આવેલા એક ટ્રક ચાલકે તેઓને જોરદાર ટક્કર મારી હતી. જેમાં ગંભીર ઈજાના કારણે રિયા કુંભાણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં ઉર્વિષાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી જ્યાંથી તેને ખાનગી હોસ્પિટલમાં શિફટ કરવામાં આવી છે,
આ ઘટનાની જાણ થતા જહાંગીરપુરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી અને રિયાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ રિયાના મોતને લઈને તેનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
