Diamond Trader Dhirubhai Ramani Released: આફ્રિકન દેશ માલીમાં અલકાયદા સાથે સંકળાયેલા કટ્ટરપંથીઓઓ દ્વારા અપહરણ કરવામાં આવેલા મૂળ સુરતના હીરા વેપારી ધીરુભાઈ રામાણીને મુક્ત કરાવી દેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. ધીરુભાઈની મુક્તિ માટે અપહરણકર્તાઓએ 100 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી, પરંતુ પરિવારે 45 કરોડ રૂપિયા ચૂકવીને તેમને કટ્ટરપંથીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે.
ધીરુભાઈ રામાણીનું 3 મહિના પહેલા અપહરણ કરવામાં આવ્યું હતુ
મૂળ સુરતના વતની 75 વર્ષીય ધીરુભાઈ રામાણી ન્યૂયોર્ક સિટીમાં 'રામાણી એક્સપોર્ટ' નામે પેઢી ધરાવીને ડાયમંડ અને જ્વેલરીનો બિઝનેસ કરે છે. જો કે એક મોટા ગોલ્ડ માઈનિંગના પ્રોજેક્ટ માટે ધીરુભાઈ રામાણી બે વર્ષ પહેલા જ આફ્રિકાના દેશ માલી શિફ્ટ થયા હતા. આજથી ત્રણેક મહિના પૂર્વે કટ્ટરપંથી સંગઠને ધીરુભાઈ રમાણીનું તેમના રસોઈયા અને ઈલેક્ટ્રિશિયન સાથે અપહરણ કર્યું હતુ.
ધીરુભાઈ રામાણી હેમખેમ હોવાની સાબિતી આપવા વીડિયો કોલ પર વાત કરાવતા
રામાણી પરિવારના સભ્યએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે, અમારા વડીલના અપહરણ પાછળ અલ-કાયદા સાથે સંકળાયેલા કટ્ટર પંથી જૂથનો હાથ હતો. તેમણે ત્રણેય લોકોને જીવતા છોડવા માટે 100 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણીની રકમ ચૂકવીને અપહ્યત લોકોને છોડાવવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહતો.
ધીરુભાઈ રામાણી સલામત છે, તે વાતની સાબિતી આપવા માટે અપહરણકર્તાઓ દ્વારા વીડિયો કોલની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતમાં અપહરણકર્તાઓએ પરિવારજનો પાસેથી 100 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જો કે વીડિયો કોલ પર ધીરુભાઈ રામાણી સાથે વાતચીતના આધારે ડીલ ફાઈનલ કરવામાં આવી હતી. જે બાદ 4 મિલિયન યુરો (44 કરોડ રૂપિયા) ચૂકવ્યા બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા છે.
આફ્રિક દેશોમાં સુરક્ષાના ખતરાને જોતા ભારતીયોને સતર્ક રહેવાની સૂચના
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં સોનાની અનેક ખાણો આવેલી છે. ધીરેન્દ્ર રામાણીએ પણ માલીમાં સોનાની ખાણમાં રોકાણ કર્યું હતુ, જેની દેખરેખ માટે તેઓ બે વર્ષથી અહી સ્થાયી થયા હતા. આ દરમિયાન તેમનું અપહરણ કરવામાં આવ્યું હતુ. તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રાલયે માલી સહિત કેટલાક આફ્રિકન દેશોમાં સુરક્ષાના ખતરાને જોતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી હતી.
