Dahod Rath Yatra: દાહોદ જિલ્લાના લીમડી નગરમાં અષાઢી દૂજના પવિત્ર પર્વે યોજાનારી ભવ્ય રથયાત્રા પૂર્વે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનવા અને પ્રભુની સવારીની શોભા વધારવા માટે લાવવામાં આવેલા ‘લક્ષ્મી’ નામના ગજરાજ નું રથયાત્રા શરૂ થાય તે પહેલાં જ વહેલી સવારે અગમ્ય કારણોસર મોત નીપજ્યું છે. આ અણધારી ઘટનાને પગલે રથયાત્રાના આયોજકો, સેવકો તેમજ સમગ્ર પંથકના શ્રદ્ધાળુઓમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
રથયાત્રા શરૂ થાય તે પહેલાં જ સર્જાઈ દુઃખદ ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, લીમડી ખાતે યોજાનારી પરંપરાગત રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. આ ઉત્સવમાં વિશેષ આકર્ષણ તરીકે 'લક્ષ્મી' નામના ગજરાજને લાવવામાં આવ્યા હતા. સમગ્ર નગર જેમના દર્શન કરવા આતુર હતું, તે ગજરાજે રથયાત્રા નગરમાં ભ્રમણ શરૂ કરે તે પૂર્વે જ વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ગજરાજના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની આંખો ભીની થઈ ગઈ હતી.
મોતનું કારણ અકબંધ: તંત્ર દ્વારા તપાસ શરૂ
લક્ષ્મી નામના આ ગજરાજનું મોત કયા કારણોસર થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. અગમ્ય કારણોસર થયેલા આ મોતના પગલે વન વિભાગ અને પશુપાલન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તંત્ર દ્વારા ગજરાજના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાયદેસરની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી આ કરુણ મોતના સાચા કારણો જાણી શકાય.
ગજરાજની દફનવિધિના સ્થળે બનશે ભવ્ય ગણેશ મંદિર
ધાર્મિક પરંપરા અનુસાર હાથીને ગણપતિજીનું સ્વરૂપ માનવામાં આવે છે. જેથી ઉપસ્થિત સાધુ-સંતો, આયોજકો અને અગ્રણીઓ દ્વારા સર્વાનુમતે એક પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. ગજરાજ 'લક્ષ્મી'ની જે જગ્યાએ સંપૂર્ણ ધાર્મિક વિધિ-વિધાન સાથે દફનવિધિ કરવામાં આવશે, તે જ પવિત્ર સ્થળ પર આગામી સમયમાં એક ભવ્ય ભગવાન શ્રી ગણેશજીના મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ નિર્ણયથી શોકતુર બનેલા ભક્તોને થોડી શાંતિ મળી છે. આ અણધારી ઘટનાને કારણે રથયાત્રાની ધામધૂમ પર થોડો વિરામ લાગ્યો હતો અને સમગ્ર લીમડી પંથક ગંભીર અને ગમગીન માહોલમાં ગરકાવ થઈ ગયું હતું.
