Surat Road Accident: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે મોડી રાત્રે એક કાળજુ કંપાવનારી માર્ગ દુર્ઘટના સામે આવી છે. રેલ્વે ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહેલી એક જ કાર પર સવાર ચાર યુવકો ઓવરબ્રિજની સેફટી વોલ સાથે ધડાકાભેર અથડાતાં 50 ફૂટથી વધુ ઉંડાણમાં નીચે ખાબક્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે એક યુવક ગંભીર સ્થિતિમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત
મળતી વિગત મુજબ, કીમ પાસે આવેલા કુડસદ ગામના રેલવે ઓવરબ્રિજ પરથી મોડી રાત્રે એક જ બાઇક પર ચાર યુવકો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇકચાલકે પૂરપાટ ઝડપે જતી બાઇકના હેન્ડલ પરથી અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી બાઈક ઓવરબ્રિજની સુરક્ષા દિવાલ સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, બાઇક પર સવાર ચારેય યુવકો ફંગોળાઈને બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાયા હતા.
એકની હાલત ગંભીર
કાર અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા. આ ગંભીર અને કમકમાટીભરી દુર્ઘટનામાં 3 યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને સત્વરે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
કીમ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
ઘટના અંગે જાણ થતાં કીમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જણાવ્યા મુજબ, સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ગંભીર ઇજાગ્રસ્ત યુવકની સ્થિતિમાં સુધારો આવ્યા બાદ તેનું નિવેદન નોંધવામાં આવશે, જેના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. એકસાથે ત્રણ આશાસ્પદ યુવકોના અકાળે મોત થતાં સમગ્ર ઓલપાડ પંથકમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
