Surat River Accidenty: ઉમરપાડા તાલુકામાં દુખદ ઘટના, 12 વર્ષીય બાળકનું નદીમાં પડી જવાથી મોત, પરિવાર શોકમાં ગરકાવ

12 વર્ષનો બાળક નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 11 Jul 2025 01:14 PM (IST)Updated: Fri, 11 Jul 2025 01:14 PM (IST)
surat-river-accident-12-year-old-boy-dies-after-falling-into-river-in-umarpada-taluka
HIGHLIGHTS
  • દીકરાની શોધખોળ બાદ પતો ના મળતા નમિતાબેને તેમના પતિ છગનભાઈને જાણ કરી હતી.
  • દીકરાની લાશ તુંડી ગામની સીમમાંથી પસાર થતી મોહન નદીના પાણીમાંથી મળી આવી હતી.

Surat River Accident: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામે દુખદ ઘટના બની છે. જ્યાં 12 વર્ષનો બાળક નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામ ખાતે છગનભાઈ ભીમસિંગભાઈ ચૌધરી [ઉ.59] પરિવાર સાથે રહે છે અને ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ શાળામાં રજા હોવાથી તેમનો 12 વર્ષીય દીકરો વૃતિક કુમાર તેની માતા નમિતા બેન સાથે ખેતરમાં ગયો હતો અને માતા ખેતરમાં કામ કરતી હતી. તે દરમ્યાન તેમનો દીકરો જાણ બહાર ક્યાંક જતો રહ્યો હતો.

દીકરાની શોધખોળ બાદ પતો ના મળતા નમિતાબેને તેમના પતિ છગનભાઈને જાણ કરી હતી. જેથી છગનભાઈ ત્યાં પહોચ્યા હતા અને બાદમાં ગામના લોકો અને આગેવાનો સાથે જંગલ તથા ડુંગર અને નદી કિનારે દીકરાની શોધખોળ કરતા હતા. ત્યારે પોણા સાતેક વાગ્યાના સુમારે દીકરાની લાશ તુંડી ગામની સીમમાંથી પસાર થતી મોહન નદીના પાણીમાંથી મળી આવી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, બાળક રમતા રમતા ખેતરની બાજુમાંથી પસાર થતી મોહન નદીના કિનારે જતો રહ્યો હતો અને મોહન નદીના કિનારે પગ લપસી જવાથી નદીના પાણીમાં પડી જતા પાણી પી જતા તેનું મોત થયું હતું. બાળકના મૃતદેહને ઉમરપાડા સી.એચ.સી. ખાતે લાવવામાં આવ્યો હતો. બીજી તરફ વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.