Surat News: સુરતમાં ઈમાનદારી અને પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ સામે આવ્યું છે. સુરતના એક તબીબ રેલ્વે સ્ટેશન પર પોતાની બેગ ભૂલી ગયા હતા, આ બેગમાં પાસપોર્ટ, વિઝા તેમજ 6 થી 7 લાખના અમેરિકન ડોલર હતા. આ બેગ એક પ્રામાણિક કુલીને મળતા તેણે ડોક્ટરનો સંપર્ક કરીને બેગ સહીસલામત પાછી સોંપી હતી. બગ પરત કરનારા કુલીએ કહ્યું કે, મુસાફરો અમારા લાલ શર્ટ પર ભરોસો મૂકીને તેમનો કિંમતી સામાનમ સોંપતા હોય છે. ત્યારે કુલીના લાલ શર્ટની પ્રતિષ્ઠા અને પ્રવાસીઓના વિશ્વાસને આંચ આવવી જોઈએ નહી. મેં મારી ફરજ નિભાવી છે.
ડોક્ટર પોતાની બેગ ભૂલી ગયા
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, સુરતના કતારગામ વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોક્ટર હરેશભાઈ વઘાસીયા અમેરિકાની ફ્લાઈટ પકડવા માટે મુંબઈ એરપોર્ટ જવા નીકળ્યા હતા. તેઓ સુરત રેલ્વે સ્ટેશન પર પ્લેટ ફોર્મ નંબર 2 પર ટ્રેન પકડવાની દોડધામ વચ્ચે પોતાની બેગ ભૂલી ગયા હતા, બેગમાં પાસપોર્ટ, વિઝા તેમજ 6 થી 7 લાખના અમેરિકન ડોલર હતા, તેઓ જયારે વાપી પહોચ્યા ત્યારે બેગ ગાયબ હોવાનો અહેસાસ થયો અને તેઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા
રેલ્વે સ્ટેશન પર કુલીને બેગ મળી
બીજી તરફ સુરત રેલ્વે સ્ટેશન પર કુલી સહાયક મનીષભાઈ વણઝારાના ધ્યાને આ બેગ આવી હતી. તેમણે તપાસ કરતા બેગ પર નંબર હતો. એ બેગ પર નંબર પર ફોન કરતા સામેથી ચિંતામાં મૂકાયેલા ડોકટરે ફોન ઉપાડ્યો હતો અને મનીષભાઈએ બેગ પોતાની પાસે સુરક્ષિત હોવાની જાણ કરી હતી. જે બાદ ડોકટરે તેમના પરિચિતને મનીષભાઈ પાસે મોકલ્યા હતા અને મનીષભાઈએ બેગ સહી સલામત તેમને પરત સોંપી હતી.
કુલીએ ડોકટરને ફોન કરી બેગ પરત આપ્યું
મનીષભાઈ વણઝારાએ જણાવ્યું હતું કે, સુરત રેલ્વે સ્ટેશન પર કુલી તરીકે ફરજ બજાવતાં 10 વર્ષ થઈ ગયા છે. હું કુલીનો સલાહકાર છું, સવારે 8 વાગ્યે પ્લેટ ફોર્મ નંબર 2 પર એક બેગ અડધો કલાકથી પડ્યું હતું, એ બેગ પર નંબર હતા અને મેં એ નંબર પર ફોન કર્યો હતો. તેઓએ કહ્યું કે, આ બેગમાં પાસપોર્ટ, પૈસા સહિતનો કિમતી સામાન છે. મેં તેમને કહ્યું કે, તમારુ બેગ મારી પાસે સુરક્ષિત છે. હું રેલ્વે સ્ટેશન પર કુલી તરીકે કામ કરુ છું. તમે અથવા તમારા કોઈ પરિચિત વ્યક્તિને મોકલને બેગ લઈ જાઓ.
શું કહ્યું કુલી મનીષભાઈએ?
મનીષભાઈએ જણાવ્યું હતું કે, કુલીના લાલ શર્ટ પર યાત્રિકોને ખૂબ જ ભરોસો હોય છે. તેથી તેઓ પોતાનો કિમતી સામાન લાલ શર્ટ જોઈને આપે છે. તેઓનો ભરોસો કાયમ રાખવો એ અમારી ફરજ છે. આ બેગ એક ડોક્ટરની હતી. તેમને બેગ મળતા ખુશીની સાથે કહ્યું કે, કોઈ પણ કુલીને આરોગ્ય સહાયની જરુર પડશે તો હું 24 કલાક તત્પર રહીશ.
