Surat Railway News: સુરત રેલવે સ્ટેશન રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ફેઝ-4 ડિસેમ્બર મહિનાથી શરૂ થવાનો છે. જેમાં પ્લેટફોર્મ પર પાયો નાખવા, સ્ટ્રક્ચરનું નિર્માણ તેમજ કોન કોર્સના બીમ અને પિલર લગાવવાની કામગીરી થશે. જેને ધ્યાને રાખીને પ્લેટફોર્મ નંબર 1 ને 80 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન રેલવે વિભાગના આયોજન મુજબ, 89 ટ્રેનો સુરતને બદલે ઉધના અને 50 ટ્રેનો ઉતરાણ સ્ટેશન પર રોકાશે.
સતત 80 દિવસ બંધ રહેશે પ્લેટફોર્મ નંબર 1
સુરત રેલવે સ્ટેશન રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-4 અંતર્ગત પ્લેટફોર્મ નંબર 1 પર બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે શરૂઆતના 10 દિવસ દરમિયાન પ્લેટફોર્મ પર આવેલી દુકાનો, જાહેરાતના બોર્ડ, ઈલેક્ટ્રિકલ સાધનો અને અન્ય સુવિધા દૂર કરવામાં આવશે. ત્યારબાદ બેરિકેડિંગ કરવામાં આવશે અને પ્લેટફોર્મના શેડ, છત તથા અન્ય બાંધકામને તોડી પાડવાની કામગીરી શરૂ થશે.
ત્યારબાદ પાયાનું કામ, સ્ટ્રક્ચરનું નિર્માણ અને કોનકોર્સના બીમ તથા પિલર લગાવવામાં આવશે. સમગ્ર 80 દિવસ દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 મુસાફરો માટે બંધ રહેશે. જોકે, રેલવે લાઇન નંબર 1 પર ટ્રેનોની અવરજવર ચાલુ રહેશે, પરંતુ ટ્રેનોની ગતિ મર્યાદા 20 કિમી પ્રતિ કલાક રાખવામાં આવશે.

89 ટ્રેનો ઉધના અને 50 ટ્રેનો ઉતરાણમાં રોકાશે
પ્લેટફોર્મ નંબર 1 બંધ રહેવાની સૌથી મોટી અસર ટ્રેનોના સ્ટોપેજ પર પડશે. રેલવે વિભાગના આયોજન મુજબ, સુરત સ્ટેશન પર રોકાતી 89 ટ્રેનોને હવે ઉધના સ્ટેશન પર રોકવામાં આવશે, જ્યારે 50 ટ્રેનોના સ્ટોપેજ ઉતરાણ સ્ટેશન પર ખસેડવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ તરફ જતી 25 ટ્રેનો પણ સુરતને બદલે ઉધના સ્ટેશન પર રોકાશે.
બીજી તરફ, આશરે 44 ટ્રેનો સુરત સ્ટેશન પર પોતાનું સ્ટોપેજ ચાલુ રાખશે. હાલમાં જે આશરે 25 ટ્રેનો સુરત અને ઉધના બંને સ્ટેશન પર રોકાય છે, તે હવે માત્ર ઉધના સ્ટેશન પર જ રોકાશે અને સુરત સ્ટેશન પર નહીં આવે.
રોજિંદા મુસાફરો-વેપારીઓને મુશ્કેલી પડી શકે
ટ્રેનોના સ્ટોપેજમાં થનારા ફેરફારની અસર સુરતથી રોજિંદી મુસાફરી કરતા લોકો, નોકરીયાત વર્ગ, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો પર પડી શકે છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મુસાફરી કરતા લોકોએ હવે ટ્રેન પકડવા માટે ઉધના અથવા ઉતરાણ સ્ટેશન સુધી પહોંચવા વધારાનો સમય ફાળવવો પડશે. ખાસ કરીને રાત્રિના સમયે અને પરિવાર સાથે મુસાફરી કરતા મુસાફરોને પણ બદલાયેલી વ્યવસ્થાને કારણે મુશ્કેલી પડી શકે છે.


કેટલીક પ્રીમિયમ ટ્રેનો સુરત સ્ટેશન પર ચાલુ રહેશે
રેલવેના આયોજન મુજબ, કેટલીક પસંદગીની ટ્રેનો અને પ્રીમિયમ સેવાઓ સુરત સ્ટેશન પર સ્ટોપેજ લેશે. આ ઉપરાંત સુરત અથવા અન્ય સ્ટેશનો પરથી શરૂ થતી અને ત્યાં પૂર્ણ થતી ટૂંકા અંતરની ટ્રેનોના સંચાલનમાં પણ ફેરફાર કરવામાં આવશે. આથી મુસાફરોએ પોતાની ટ્રેનના સ્ટોપેજ અને સંચાલન અંગેની નવી વિગતો તપાસવી જરૂરી રહેશે.
મુસાફરોને ટ્રેનોનું નવું સમયપત્રક ચકાસવા અપીલ
સુરત રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે રીડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, હાલના ફેરફારના કારણે મુસાફરો અને ટ્રેન વ્યવહારને મોટી અસર પડશે. રેલવે દ્વારા મુસાફરોને ટિકિટ બુક કરાવતા પહેલા અને સ્ટેશન જવા નીકળતાપહેલાટ્રેનના સુધારેલા સ્ટોપેજ તથા સમય પત્રકની ચકાસણી કરવાની સલાહ આપવામાં આવી છે.


