સુરતના તાંતીથૈયા નજીક હાવડા એક્સપ્રેસની અડફેટે બે અજાણ્યા વ્યક્તિઓનાં મોત

હાવડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે યુવકો આવી ગયા હતા. ટ્રેને અડફેટે લેતા બન્ને યુવકોના શરીર ક્ષતવિક્ષત થઈ ગયા હતા. હાલ બંને મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે તેમની ઓળખ સ્થાપિત કરવા માટે પરિવારજનો અને વાલી-વારસોની શોધખોળ શરૂ કરી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 19 Nov 2026 11:51 AM (IST)Updated: Thu, 19 Nov 2026 11:51 AM (IST)
surat-news-two-unknown-persons-died-hit-by-howrah-express-near-tantithaiya-palsana

Surat News: સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં વહેલી સવારે એક દુઃખદ ઘટના બની છે. તાંતીથૈયા ગામ નજીક સુરતથી હાવડા તરફ જઈ રહેલી હાવડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે અજાણ્યા વ્યક્તિઓ આવી જતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

બે યુવકો હાવડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયા

મળતી પ્રાથમિક વિગતો મુજબ, આજે સવારે આશરે 5.30 વાગ્યાના અરસામાં તાંતીથૈયા નજીક રેલવે થાંભલા નંબર 14/22થી 14/26 વચ્ચે આ દુર્ઘટના સર્જાઇ હતી. હાવડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે યુવકો આવી ગયા હતા. ટ્રેને અડફેટે લેતા બન્ને યુવકોના શરીર ક્ષતવિક્ષત થઈ ગયા હતા. ઘટનાસ્થળે અત્યંત કરુણ દૃશ્યો સર્જાતાં આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.

બનાવ અંગે ચલથાણ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર લોકેશભાઈ મીના દ્વારા જાણ કરવામાં આવતાં કડોદરા પોલીસને ઘટનાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

હાલ બંને મૃતકોની ઓળખ થઈ શકી નથી

હાલ બંને મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે તેમની ઓળખ સ્થાપિત કરવા માટે પરિવારજનો અને વાલી-વારસોની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત બંને વ્યક્તિઓ વહેલી સવારે રેલવે ટ્રેક પર કયા સંજોગોમાં પહોંચ્યા હતા અને તેમની સાથે આ દુર્ઘટના કેવી રીતે બની તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ જ અકસ્માત પાછળનાં ચોક્કસ કારણો અને મૃતકોની ઓળખ અંગે વધુ વિગતો સામે આવશે.