સુરત: વરાછા રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં આગ, જપ્ત કરેલ 26 ગાડીઓ બળીને ખાખ

ઘાંચીશેરી ફાયર સ્ટેશનની ટીમને ડોઢ કલાકથી વધુ સમય સુધી સતત જહેમત ઉઠાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 11 Nov 2026 06:48 PM (IST)Updated: Wed, 11 Nov 2026 06:48 PM (IST)
surat-railway-police-line-campus-fire-26-seized-vehicles-burnt

Surat Fire Accident: સુરતના વરાછા રોડ સ્થિત પોદ્દાર આર્કેડની બાજુમાં આવેલા રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. પોલીસ લાઈન સંકુલમાં આવેલ એક ઝાડમાં આગ લાગી હતી, જેણે સૂકા ઝાડ અને પવનના કારણે ક્ષણવારમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓમાં આસપાસ પાર્ક કરેલા વાહનનો બળીને ખાખ થયા હતા. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં એક ઝાડમાં આગ લાગી હતી. ઝાડની આસપાસ પોલીસ દ્વારા અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલ જૂની તથા બંધ હાલતમાં 32 જેટલી મુદ્દામાલની ગાડી પાર્ક કરેલી હતી. આગ એટલી તીવ્ર હતી કે જોતજોતામાં 26 ગાડી આગની લપેટમાં આવીને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ઘાંચીશેરી ફાયર સ્ટેશનની ટીમને રવાના કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે વોટર ટેન્કર સહિતના સંસાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ટીમે સતત 1.5 કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી રાત્રે 10:46 વાગ્યા આસપાસ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.

ફાયર ટીમની ત્વરિત કામગીરીના કારણે અન્ય 6 વાહનો બચી ગયા હતા અને મોટી હોનારત ટળી હતી. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. આ દુર્ઘટનામાં મોટા પાયે વાહનોને નુકસાન થયું છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ જાણવા માટે પોલીસ અને તંત્ર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.