Surat: સુરતના ગોડાદરા વિસ્તારમાં માતાએ આપેલા ઠપકા બાદ 14 વર્ષીય કિશોરી ધાબા પર ચડી ગઈ હતી અને ધાબા પરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે સગીરાને વાતોમાં વ્યસ્ત રાખીને ધાબા પરથી કૂદકો મારે તે પહેલા બચાવી લીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો ખુદ સુરત પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.
હકીકતમાં સુરતના પોલીસ કંટ્રોલરૂમમાં કોલ મળ્યો હતો. જેમાં ગોડાદરા વિસ્તારમાં રહેતી માતા અને તેમની 14 વર્ષની દીકરી વચ્ચે રકઝક થઈ હતી. આ સમયે માતાએ ઠપકો આપતા દીકરીને માઠું લાગી આવતા તે અગાસી પર પહોંચી ગઈ હતી અને કૂદવાની વાતો કરી રહી હતી. આ કોલ મળતા PCR વાનમાં ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ મીરાબેન યાદવ, કોન્સ્ટેબલ ધવલ પટેલ અને ડ્રાઈવર સાગરભાઈ ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચ્યા હતા.
સગીરાએ અગાસી પર પહોંચીને દરવાજો બંધ કરી દીધો હતો. આ સમયે મહિલા કોન્સ્ટેબલ મીરાબેને સગીરાને વાતોમાં પરોવી રાખી હતી. જ્યારે અન્ય કોન્સ્ટેબલ ધવલ પટેલ બાજુના મકાનથી ધાબા પર પહોંચ્યા હતા અને દરવાજો ખોલ્યો હતો. આ સમયે સગીરાએ ધાબા પરથી પડતું મૂકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બન્ને બાહોશ પોલીસ કર્મચારીઓએ સગીરાનો હાથ પકડીને ખેંચી લીધી હતી.
સગીરાનું રેસ્ક્યુ કરીને તેને માતા સાથે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પૂછપરછમાં સગીરા અભ્યાસમાં નબળી હોવાથી માતાએ તેને સમજાવતી હતી, પરંતુ તે હાઈપર થઈ જતી હતી અને ઘરમાં તોડફોડ કરતી હોવાનું માલૂમ પડ્યું હતુ. આખરે બન્નેને યોગ્ય સમજાવટ અને જરૂરી કાઉન્સેલિંગ કરીને બાળકીને તેના પરિવારને સોંપવામાં આવી હતી.
