સુરતમાં 4 બોગસ ડોક્ટરો ઝડપાયા, માત્ર ધોરણ 10-12 ભણેલા; એક તો 26 વર્ષથી જનતાના સ્વાસ્થ્ય સાથે કરતો હતો ચેડા

બોગસ ડોક્ટરોના ક્લિનિક પર દરોડા પાડી પોલીસે 4.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 29 Aug 2026 02:59 PM (IST)Updated: Sat, 29 Aug 2026 02:59 PM (IST)
surat-police-raid-and-arrested-four-bogus-doctors-in-slums-allopathic-medicines
Surat Bogus Doctors Arrested

Surat Bogus Doctors Arrested: સુરત શહેરમાં કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર ક્લિનિક ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. ઝોન-1 LCB અને પુણા પોલીસની સંયુક્ત ટીમે એક ખાસ ઓપરેશન હાથ ધરીને પુણા-ઉમરવાડા વિસ્તારમાંથી 4 બોગસ ડોક્ટરોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ઝુંપડપટ્ટી વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ક્લિનિક

પોલીસને મળેલી બાતમી અનુસાર પુણા-ઉમરવાડા વિસ્તારમાં રાજીવનગર અને આશાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં કેટલાક શખ્સો કોઈપણ લાયસન્સ કે મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર ક્લિનિક ચલાવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે જાણવા મળ્યું કે, આરોપીઓ પૈકી કેટલાક છેલ્લા 8 અને 10 વર્ષથી, જ્યારે એક આરોપી તો છેલ્લા 26 વર્ષથી બેરોકટોક તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

પોલીસે આ ક્લિનિકમાંથી ગેરકાયદેસર એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન, બોટલ અને મેડિકલ સાધન સામગ્રી સહિત કુલ રૂપિયા 4.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છેઆ નકલી તબીબો માત્ર ધોરણ 10 અને 12 પાસ હોવા છતાં છેલ્લા 26 વર્ષથી નાગરિકોને એલોપેથી દવાઓ અને ઈન્જેક્શન આપી રહ્યા હતા.

4 નકલી ડોક્ટરોમાં 2 આરોપીઓ રીઢા ગુનેગાર

પોલીસે સ્થળ પરથી 4 આરોપીની ધરપકડ કરી છે. જેમની ઓળખ ભિંગુ પાલ, તેજબહાદુર મીર્જારામભાઈ નિશાદ, પ્રશાંતભાઈ પ્રોમથનભાઈ માલાકર અને સુબલ સુનિલ ગાચ્છી તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, તેજબહાદુર નિશાદ અને પ્રશાંત માલાકર રીઢા ગુનેગાર છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ વર્ષ 2025 માં પણ પુણા પોલીસ સ્ટેશનમાં બોગસ ડોક્ટર તરીકેનો ગુના નોંધાયા છે.

બોગસ ડોક્ટરો સામે પોલીસ કમિશનરની ડ્રાઈવ

ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પુણા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 125 (માનવ જીવન જોખમમાં મૂકવું) તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ-30 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે DCP આલોક કુમારે જણાવ્યું કે, સુરત શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતા હેઠળ બોગસ ડોક્ટરો સામે એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ પાસે કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી નહોતી અને તેઓ સામાન્ય વર્ગના લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા હતા.