Surat News: સુરતમાંથી વધુ એક વખત બોગસ ડોક્ટર ઝડપાયા છે. એસઓજી પોલીસની ટીમે પાંડેસરા વિસ્તારમાંથી ડીગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા બે બોગસ ડોકટરોને ઝડપી પાડ્યા છે. પોલીસે પાંડેસરા વિસ્તારના બે અલગ અલગ વિસ્તારમાં રેડ કરી આ બોગસ ડોકટરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સીરપ સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
એસઓજી પોલીસની ટીમ દ્વારા ડીગ્રી વગર ડોક્ટર બની ક્લિનિક ચલાવતા ઇસમોને શોધી કાઢવા માટે અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું, દરમ્યાન પાંડેસરા વિસ્તારમાં બે બોગસ તબીબો ક્લિનિક ચલાવતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેથી ડમી પેશન્ટ મોકલી ખાતરી કરી હતી .જે બાદ જિલ્લા પંચાયત હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ક્લિનિક પર રેડ કરવામાં આવી હતી.
પોલીસે પાંડેસરા વડોદગામ સ્થિત જગદંબા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલા નામ વગરના ક્લિનિક પર રેડ કરી હતી જ્યાંથી ડીગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતા આરોપી સુરેન્દ્ર ચંદ્રદેવ શાહને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઈન્જેકશન, સીરપ મળી કુલ 19,089 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. બોગસ ડોક્ટરની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે ડીંડોલી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ડોક્ટરની મદદમાં રહીને દર્દીઓને દવા આપતો હતો જેથી પોતાને સામાન્ય બીમારીમાં કઈ કઈ દવા, ઈન્જેકશન આપવા તેની માહિતી હોય પોતે છેલ્લા ચારેક વર્ષથી આ ક્લિનિક ચાલુ કરી હતી.
બીજા બનાવમાં પોલીસે પાંડેસરા વડોદગામ ગણેશનગર પાસે ગુરુકૃપા નગર ખાતે આવેલા મમતા ક્લિનિકમાં રેડ કરી હતી જ્યાંથી પોલીસે ડીગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતા આરોપી રામકૃપાલ રામકિશન વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સીરપ મળી કુલ 28116 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેના વતન ખાતે હોસ્પિટલ ખાતે કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટરની મદદમાં રહીને દર્દીઓને દવા આપતો હતો જેથી પોતાને સામાન્ય બીમારીમાં કઈ કઈ દવા, ઇન્જેક્શન આપવા તેની માહિતી હતી જેથી હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા આઠેક વર્ષથી આ ક્લિનિક ચાલુ કરી હતી. હાલ પોલીસ દ્વારા બંને બોગસ ડોક્ટર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
