સુરત પોલીસે નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી બચાવવા માટે લોન મેળો યોજ્યો, 17 લાભાર્થીની રૂ. 13.25 લાખની લોન મંજૂર

સુરત પોલીસ અને સુટેક્ષ બેંકના સહયોગથી અત્યાર સુધીમાં યોજાયેલા 6 લોન મેળામાં 148 લાભાર્થીઓની રૂ. 1.22 કરોડથી વધુને આર્થિક સહાય અપાઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Jan 2026 08:35 PM (IST)Updated: Tue, 27 Jan 2026 08:35 PM (IST)
surat-police-organize-loan-fair-to-tackle-usury-rs-13-25-lakh-disbursed-to-17-beneficiaries
HIGHLIGHTS
  • સુરત શહેર પોલીસ ઝોન-7 દ્વારા અઠવાલાઈન્સ કોમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ
  • વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકો માટે સ્થળ પર જ ફરિયાદ નોંધાવવાની સુવિધા

Surat: સુરત શહેર પોલીસ-ઝોન 7 દ્વારા અઠવાલાઇન્સ સ્થિત પોલીસ કમ્યુનિટી હોલ ખાતે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન છેડી નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી બચાવવાના ઉમદા હેતુ સાથે લોન મેળો યોજાયો હતો.

ઇચ્છાપોર, ડુમસ, પાલ, હજીરા, ડ્રીમ સિટી તેમજ મરીન સહિતના ઝોન 7 હેઠળના પોલીસ સ્ટેશનો દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં જરૂરિયાતમંદ 17 લાભાર્થીઓને રૂ.13.25 લાખના લોન મંજૂરી પત્ર એનાયત કરાયા હતા. સાથોસાથ વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકો માટે સ્થળ પર જ તાત્કાલિક ઝોન ફરિયાદ નોંધાવવાની સુવિધા કરાઈ હતી.

આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે વ્યાજખોરો વિરુદ્ધ શરૂ કરાયેલી મુહિમનો ઉદ્દેશ જણાવી વ્યાજખોરોના ત્રાસથી પીડાતા નગરજનોને જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓની મદદ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, આ અભિયાન હેઠળ સુરત પોલીસ વિભાગ અને સુટેક્ષ બેંકનાં સહયોગથી આજ સુધી યોજાયેલા કુલ ૬ મેળામાં 148 લાભાર્થીઓને રૂ.1.22 કરોડથી વધુની આર્થિક સહાય આપવામાં આવી છે.

આ પ્રસંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ સુટેક્ષ બેંકના ડાયરેક્ટરો પ્રતિકભાઈ અને વિરલભાઈ, CEશ્રી શીતલભાઇ ભટ્ટ સહિત શહેર પોલીસ અને સુટેક્ષ બેંકના અધિકારી-કર્મચારીઓ સહિત શહેરીજનો હાજર રહ્યા હતા.