ફિલ્મી અંદાજમાં એટીએમ તોડવાનો પ્લાન નિષ્ફળ! હરિયાણાથી ખાસ બોલાવાયેલી કુખ્યાત 'મેવાત ગેંગ'ના કારસ્તાનનો પર્દાફાશ

સુરતના કામરેજ અને તાપીમાં એટીએમ ચોરીના પ્રયાસોનો પર્દાફાશ થયો છે. પોલીસે હરિયાણાની કુખ્યાત મેવાત ગેંગને બોલાવનાર મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોને ઝડપી પાડી 5.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 16 Oct 2026 11:57 PM (IST)Updated: Fri, 16 Oct 2026 11:57 PM (IST)
surat-police-busts-mewat-gang-in-foiled-atm-robbery-bid

Surat ATM Robbery Attempt: દક્ષિણ ગુજરાતમાં એટીએમ મશીનોને ટાર્ગેટ કરી ચોરીની મોટી ઘટનાઓને અંજામ આપતી કુખ્યાત ગેંગનો સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસની કડક કાર્યવાહીમાં હરિયાણાની કુખ્યાત મેવાત ગેંગને બોલાવીને ચોરી કરાવનાર મુખ્ય રીઢા આરોપી સહિત બે શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા છે. આ પકડથી સુરત ગ્રામ્ય અને તાપી જિલ્લામાં એટીએમ ચોરીના પ્રયાસો અને વાહન ચોરીના કુલ ત્રણ મોટા ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા છે.

શું હતી ઘટના?

ગત 13 ઓક્ટોબર 2026ના રોજ મોડી રાતે કામરેજ ચાર રસ્તા નજીક ખોલવડ ગામની હદમાં એસબીઆઈ બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો હતો. ઇકો કારમાં આવેલા ત્રણ શખ્સોએ પહેલા સીસીટીવી કેમેરા પર સ્પ્રે છાંટી દીધો હતો અને બાદમાં ગેસ કટરથી એટીએમ કાપતી વખતે અચાનક આગ લાગી જતાં તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ મામલે કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

સુરત ગ્રામ્ય એલસીબી ટીમે ટેકનિકલ સર્વે અને બાતમીના આધારે બારડોલીના બાલદા ખાતે રહેતા લાલસિંહ મોતીલાલ જગન્નાથ દોહારી અને આશિયાના નગરના ઇમરાન ઉર્ફે ઇમરાનગાય હુશૈન હયાત સૈયદને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું કે મુખ્ય આરોપી લાલસિંહ અગાઉના ગુનાઓમાં હરિયાણાની કુખ્યાત 'મેવાત ગેંગ'ના સંપર્કમાં આવ્યો હતો. આ ગેંગ એટીએમ મશીન ગેસ કટરથી કાપવામાં ભારે માહિર છે.

લાલસિંહ આ ગેંગના માણસોને ગુજરાત બોલાવતો, તેમને રહેવા-જમવા અને ફરવા માટે વાહનો તથા સાધન-સામગ્રી પૂરી પાડતો હતો. આ વખતે પણ તેણે હરિયાણાથી મેવાતી ગેંગને બોલાવીને પલસાણા વિસ્તારમાંથી ઇકો કારની ચોરી કરાવી હતી અને તે જ કારમાં બેસીને તાપી જિલ્લાના બુહારી તથા કામરેજના ખોલવડ ખાતે એટીએમ તોડવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. અગાઉ વર્ષ ૨૦૨૧માં પણ આ ગેંગે કડોદરા, બારડોલી અને વર્ષ ૨૦૨૫માં વ્યારામાં ૪૪ લાખથી વધુની ચોરી કરી હોવાનું ખુલ્યું છે.

મુદ્દામાલ જપ્ત અને વોન્ટેડ આરોપીઓ

પોલીસે આરોપીઓ પાસેથી ગેસ કટરની નોજલ પાઈપ, પ્રેશર વાલ્વ, સીસીટીવી સ્પ્રે, 4 મોબાઈલ અને 3 ફોરવ્હીલ કાર સહિત કુલ 5.97 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી કામરેજ, વાલોડ અને પલસાણા પોલીસ મથકના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જ્યારે હરિયાણાથી આવેલા મેવાતી ગેંગના અન્ય ચાર ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.