Surat murder incident: સુરતના ભેસ્તાન વિસ્તારમાં નજીવી બાબતે બે દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં નાના ભાઈનું મોત નીપજ્યું છે, જ્યારે મોટો ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં પોલીસે એક આરોપી સહિત 4 સગીરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે સગા ભાઈ પર હિચકારો હુમલો, મહિલાઓને પણ માર માર્યો
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને સુરતના ભેસ્તાન તિરુપતિનગરમાં રહેતા મોહમદ ઝફર હુસેન મોહમ્મદ અસગરઅલી અંસારી અને તેના ભાઈ મુઝફર હુસેન અંસારી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બંને ભાઈઓની પત્નીને પણ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો.
નજીવી બાબતે કર્યા હુમલો, મોટા ભાઈનું મોત નીપજ્યુ
આ ઘટનામાં મોહમદ ઝફર હુસેન મોહમદ અસગરઅલી અંસારી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું છે. જ્યારે તેનો ભાઈ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અગાસી પર પાણીની ટાંકી પર લઘુશંકા કરવાની ના કહેતા થયેલા ઝઘડામાં થયેલો હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં આ બનાવ હત્યામાં ફેરવાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
"2 જાન્યુઆરીના રોજ ભેસ્તાન તિરુપતિ નગરમાં સાંજે 5 વાગ્યાના સુમારે આરોપી સોએબખાન રઈશખાન પઠાણ તથા અન્ય 4 કિશોરો ફરિયાદીના ધાબા પર પતંગ ચગાવવા અને રમવા માટે ગયા હતા. ત્યારે એક કિશોરે ફરિયાદીના પાણીના કેન પર લઘુશંકા કરતા 4 સગીરો અને આરોપીનો બંને દંપતી જોડે ઝઘડો થયો હતો." -- ACP એ. સી. તારડ
ચાર સગીર સહિત પાંચેય આરોપી ઝડપાયા
મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોએબખાન રઈશખાન પઠાણે મોહમ્મદ ઝફર હુસેન મોહમ્મદ અસગરઅલી અંસારીને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી, જે બાદ તેનું મોત થયું હતું. આ હત્યાના બનાવને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસે આરોપી 18 વર્ષીય સોએબખાન રઈશખાન પઠાણ અને 4 સગીરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: બગદાણા હુમલા કેસમાં નવો વળાંક: સુરતની મહિલાએ સેવક નવનીત બાલધિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો
મૂળ બિહારનો હતો પીડિત પરિવાર
મૃતકના બનેવીએ જણાવ્યું હતું કે, અમે મૂળ બિહારના વતની છીએ, રોજી રોટી માટે અમે સુરત આવ્યા છીએ. મારા બંને સાળાઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક સાળાનું મોત થયું છે, જ્યારે બીજા સાળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હું સુરત પોલીસને વિનંતી કરું છું કે અમને સુરક્ષા આપવામાં આવે અને અમને પરત વતન બિહાર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે.
