Surat PM Awas Yojana 2026: સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પરવડે તેવા ભાવે ઘરનું ઘર મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. જે હેઠળ શહેરના અલગ-અલગ વિસ્તારમાં કુલ 2,294 નવા આવાસના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે.
સુરતમાં 2294 નવા આવાસને મંજૂરી
તાજેતરમાં મળેલી સુરત મહાનગરપાલિકાની સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીની મીટીંગમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં કુલ 2,294 નવા આવાસ બનાવવાની કવાયત હાથ ધરવા માટે અંદાજિત કામોને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી મળતા જ હવે આવાસ નિર્માણની આગળની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
કયા વિસ્તારમાં બનશે નવા પ્રોજેક્ટ્સ
સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટીપી સ્કીમોમાં આવાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે:
વરીયાવ: ટીપી સ્કીમ 37, ફાઈનલ પ્લોટ 111 ખાતે EWS-1 કેટેગરીના 144 આવાસ બનાવવામાં આવશે.
ડભોલી: ટીપી સ્કીમ 51, ફાઈનલ પ્લોટ 206 ખાતે EWS-1 કેટેગરીના 254 આવાસ અને સાત દુકાનોનું નિર્માણ થશે.
પાલનપોર:ટીપી સ્કીમ 08, ફાઈનલ પ્લોટ 132 ખાતે 140 આવાસો બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
કોસાડ અને જહાંગીરપુરામાં મોટા પ્રોજેક્ટ
સ્લમ ઈમ્પ્રુવમેન્ટ કમિટીએ અન્ય મોટા પ્રોજેક્ટ માટેની દરખાસ્તને પણ મંજૂરી આપી છે:
કોસાડ-મોટા વરાછા: ટીપી સ્કીમ 184 ફાઈનલ પ્લોટ 340 ખાતે સૌથી વધુ 520 આવાસ અને 13 દુકાનો બનાવવામાં આવશે.
પાલનપોર-ભેસાણ: ટીપી સ્કીમ 09, ફાઈનલ પ્લોટ 153 ખાતે 336 આવાસ અને 5 દુકાનોનું આયોજન છે.
જહાંગીરપુરા: ટીપી સ્કીમ 46, ફાઈનલ પ્લોટ 96 ખાતે પણ 900 આવાસ અને 4 દુકાનો બનાવવાના કામને મંજૂરી આપી આગળની કામગીરી શરૂ કરી છે.
સુરત મહાનગરપાલિકાના આ નિર્ણયથી હજારો મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને પોતાનું ઘર મળવાની આશા જાગી છે. મહાનગરપાલિકા દ્વારા રહેણાંક આવાસોની સાથે વ્યાપારી હેતુ માટે દુકાનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ વિસ્તારોમાં સુવિધાનો વિકાસ થઈ શકે.
