Surat News: સુરત મહાનગરપાલિકા દ્વારા બસ સેવાના સંચાલનમાં ખાનગી ઓપરેટરોની બેદરકારી અને નિયમોના ભંગ બદલ મોટી કાર્યવાહી કરી છે. શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ (BRTS) સેવાઓમાં વારંવાર થતા બ્રેકડાઉન, રસ્તામાં જ ઇલેક્ટ્રિક બસોની બેટરી ઉતરી જવી, સમયપત્રક ખોરવાઈ જવું અને ટ્રિપો રદ થવાથી રોજના લાખો મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.
જેબીએમ એજન્સીને 21 કરોડથી વધુનો દંડ
આ પણ વાંચો
નાગરિકોની આ સતત વધતી ફરિયાદોને ગંભીરતાથી લઈને સીટીલિંકનો હવાલો સંભાળતા મનપાના ડેપ્યુટી કમિશનર અને આઈએએસ અધિકારી સ્મીત લોઢાએ કડક વલણ અપનાવ્યું છે, જેના કારણે બેદરકાર ઓપરેટર એજન્સીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કરારની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનાર ઓપરેટરો સામે આકરી ચકાસણી હાથ ધરીને મનપા તંત્રએ કુલ 24 કરોડ રૂપિયાની જંગી પેનલ્ટી ફટકારી છે. આ દંડાત્મક કાર્યવાહીમાં ‘જેબીએમ’ એજન્સીને નિયમોના ભંગ બદલ એકલા 21.50 કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.
ઓપરેટર ઓલેક્ટ્રાને 1.90 કરોડનો દંડ
આ ઉપરાંત, અન્ય મુખ્ય ઓપરેટર ‘ઓલેક્ટ્રા’ સામે પણ બસ સંચાલનમાં ગંભીર ક્ષતિઓ દાખવવા બદલ 1.90 કરોડ રૂપિયાની પેનલ્ટી વસૂલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અગાઉ માત્ર કાગળ પરની નોટિસોથી ચલાવી લેવાતી પ્રથાને બદલે પ્રથમવાર તંત્ર દ્વારા આટલી મોટી રકમનો આર્થિક પ્રહાર કરવામાં આવ્યો છે. હાલમાં શહેરમાં અંદાજે 600 જેટલી બસો દોડી રહી છે અને રોજિંદા અંદાજે 2.50 લાખથી વધુ નાગરિકો આ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે છે.
કડક કાર્યવાહી થતાં ઓપરેટરોમાં ફફડાટ
આટલી વિશાળ વ્યવસ્થા હોવા છતાં ટેક્નિકલ ખામીઓ અને અચાનક બસો બંધ પડી જવાની ઘટનાઓને કારણે મુસાફરો રસ્તા પર કલાકો સુધી અટવાઈ જતા હતા. ડેપ્યુટી કમિશનર દ્વારા કરારની શરતોને વાસ્તવિક ગ્રાઉન્ડ રિયાલિટી સાથે જોડીને હાથ ધરવામાં આવેલા આ સઘન અને કડક ઓડિટના પરિણામે હવે અન્ય કોન્ટ્રાક્ટરો પણ સાવચેત બન્યા છે. મનપાના આ મક્કમ પગલાથી આગામી સમયમાં સુરતની જાહેર પરિવહન સેવા વધુ નિયમિત બનશે અને લાખો મુસાફરોની રઝળપાટનો અંત આવશે તેવી પ્રબળ આશા સેવાઈ રહી છે.
