સુરત: રસીકરણ બાદ બાળકોને ભૂલથી ડાયાબિટીઝની દવા અપાતા 5 માસૂમ ICUમાં દાખલ, હેલ્થ વર્કર સસ્પેન્ડ

સુરતના પલસાણાના કણાવ PHC ખાતે મમતા દિવસે રસીકરણ બાદ 5 બાળકોને તાવની દવાને બદલે ભૂલથી ડાયાબિટીઝની ગ્લિમીપ્રાઈડ અપાતા હાલત ગંભીર થતાં ICUમાં ખસેડાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 27 Sep 2026 07:51 AM (IST)Updated: Sun, 27 Sep 2026 07:51 AM (IST)
surat-palsana-kanav-phc-vaccination-negligence-kids-admitted-icu-glimepiride-overdose

Surat News: સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગંભીર બેદરકારી સામે આવી છે. મમતા દિવસ અંતર્ગત રસી મૂકાવ્યા બાદ માસૂમ બાળકોને તાવની દવાને બદલે ડાયાબિટીઝના દર્દીઓની હેવી ડોઝ ગ્લિમીપ્રાઈડ 2 એમજી આપી દેવાઈ હતી. આ દવાની ગંભીર આડઅસરને લીધે પાંચ બાળકોનું શુગર લેવલ લથડી જતાં તાત્કાલિક દાખલ કરવાની નોબત આવી છે.

રસીકરણ બાદ હેવી ડોઝની દવા આપી

મળતી માહિતી પ્રમાણે, કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 23 સપ્ટેમ્બરના રોજ મમતા દિવસ નિમિત્તે 7 બાળકોનું વેક્સિનેશન કામગીરી કરવામાં આવી હતી. જોકે ઘણીવાર બાળકને રસી આપ્યા બાદ તાવ આવે તો 'પેરાસિટામોલ કિડ' અપાતી હોય છે.

ફરજ પરના મહિલા હેલ્થ વર્કરે ગંભીર ચૂક કરીને પેરાસિટામોલને બદલે મોટી ઉમરના લોકોને અપાતી ડાયાબિટીઝની હેવી ડોઝની દવા ગ્લિમીપ્રાઈડ 2 એમ જી આપી દીધી હતી. જેને પગલે પાંચેક જેટલા બાળકોની હાલત લથડી જતાં તેમને ICUમાં દાખલ કરવા પડ્યા હતા.

ગંભીર ચૂક બદલ કાર્યવાહી

ગંભીર ભૂલને ધ્યાનમાં લઈને જિલ્લા RCHO ડો. પિયુષ વાય. શાહે તાત્કાલિક તપાસ અહેવાલ તૈયાર કરાવ્યો હતો. તેમજ રિપોર્ટના આધારે કસૂરવાર ફિમેલ હેલ્થ વર્કર ઇન્દુબેન ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. માસૂમ બાળકોને જીવને જોખમમાં મૂકતાં વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે, વાલીઓનો આક્ષેપ છે કે, માત્ર સસ્પેન્ડ કરવું જ પૂરતું નથી. કડક કાર્યવાહી જરુરી છે.