Surat Palsana gas blast: સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ચલથાણ ગામમાં એક ઘરમાં ગેસ લીકેજ બાદ થયેલા એક જોરદાર બ્લાસ્ટમાં ઘર માલિક, પાડોશી મહિલા અને તેમના બાળકો સહિત કુલ 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાંથી સારવાર દરમિયાન ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે.
કેવી રીતે બની આ દુર્ઘટના?
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં પલસાણા તાલુકાના ચલથાણ ગામ સ્થિત ખુમાનસિંહની વાડી ખાતે રહેતા 40 વર્ષીય નીરજ શ્રીકાંત મિશ્રાના ઘરમાં આ ગોઝારી ઘટના બની હતી. ગત 17 એપ્રિલ, શુક્રવારના રોજ નીરજ મિશ્રાના રૂમમાં ગેસ લીકેજ થયો હતો.
જ્યારે નીરજ તેની નોકરી પરથી ઘરે પરત ફર્યો, ત્યારે તેની પાડોશમાં રહેતી 38 વર્ષીય મહિલા દુર્ગાવતી અજયકુમાર યાદવે તેને ઘરમાંથી ગેસની તીવ્ર વાસ આવતી હોવાની જાણ કરી હતી. આ વાતની ખરાઈ કરવા માટે નીરજ ઘરમાં ગયો અને જેવી તેણે રૂમની લાઈટ ચાલુ કરી, કે તરત જ એક ભયાનક ધડાકો થયો હતો.
આ પણ વાંચો: સુરત: ફૂટપાથ પર માતાની પડખે સૂતેલી બાળકીનું અપહરણ; રતલામથી બાળકીનું રેસ્ક્યુ, આરોપી ફરાર
બ્લાસ્ટમાં 6 દાઝ્યા, 3 લોકોના મોત
આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘરની અંદર રહેલા નીરજ મિશ્રા, પાડોશી મહિલા દુર્ગાવતી દેવી અને તેમના ચાર બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ દાઝેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જોકે, કમનસીબે સારવાર દરમિયાન ઘર માલિક નીરજ મિશ્રા, પાડોશી મહિલા દુર્ગાવતી અને તેમના એક પુત્ર અનુજનું મોત નીપજ્યું છે. એક જ ઘટનામાં ત્રણ લોકોના મોત થવાથી સમગ્ર ચલથાણ ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો છે.
