સુરત: ફૂટપાથ પર માતાની પડખે સૂતેલી બાળકીનું અપહરણ; રતલામથી બાળકીનું રેસ્ક્યુ, આરોપી ફરાર

સુરતમાં ફૂટપાથ પર માતાના પડખામાં સૂતેલી બાળકીનું અપરહણ થયું. જે બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે રતલામથી 60 કિમી દૂર આવેલા એક ગામમાં પોલીસે ઓપરેશન હાથ ધરીને બાળકીનો કબજો મેળવ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 23 Apr 2026 12:36 PM (IST)Updated: Thu, 23 Apr 2026 12:36 PM (IST)
surat-news-child-abduction-kapodra-footpath-rescue-ratlam-crime-branch

Surat child abduction: સુરતના કાપોદ્રા વિસ્તારમાં ફૂટપાઠ પર માતાના પડખામાં સૂતેલી 3 વર્ષીય બાળકીનું અપરહણ થયું હતું.આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે રતલામથી 60 કિમી દૂર આવેલા એક ગામમાં પોલીસે ઓપરેશન હાથ ધરીને બાળકીનો કબજો મેળવ્યો છે. જોકે, અપહરણકર્તા નાસી છૂટતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

માતા સાથે સૂતેલી બાળકીનું અપહરણ

મળતી માહિતી મુજબ, મૂળ દેવભૂમિ દ્વારકાની વતની મહિલા તેના પતિ સાથે ઝઘડો થતાં છેલ્લા બે દિવસથી પોતાની બાળકી સાથે સુરત રહેવા આવી હતી. મહિલા બાળકી સાથે પોતાના પરિચિત યુવક સાથે નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર રહેતી હતી. આ ફૂટપાથ પર ઘર વિહોણા 50 જેટલા લોકો સૂઈ રહે છે.જે દરમ્યાન કડિયા કામની મજૂરી બાદ મહિલા થાકીને રાત્ર 8 વાગ્યે ભર ઊંઘમાં સુઈ ગઈ હતી. રાતે 1 વાગ્યે મહિલાની આંખ ઉઘડતા 3 વર્ષની બાળકી ગુમ હતી. બાળકીની માતાએ બૂમાબૂમ કરતા ત્યાં સૂતેલા લોકો પણ જાગી ગયા હતા અને બાળકીને શોધવામાં લાગી ગયા હતા. કલાકોની શોધખોળ બાદ પણ બાળકીની ભાળ નહી મળતા આખરે કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી.

CCTV ફૂટેજમાં આરોપી ઝડપાયો

કાપોદ્રા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા 30 વર્ષીય યુવક બાળકીનું અપહરણ કરીને જતો દેખાઈ આવ્યો હતો. યુવકે બાળકીનું રાત્રે 9:30 વાગ્યાની આસપાસ અપહરણ કરીને રીક્ષા પકડીને સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાંથી આરોપી 10:10 વાગ્યે ઈન્દોર જતી ટ્રેનમાં બેસી ગયો હતો.

પતિ સાથે ઝઘડો થતા મહિલા સુરત રહેવા આવી

વધુમાં મહિલા દ્વારકાના એક ગામમાં પતિ સાથે રહેતી હતી. તેને સંતાનોમાં 10 વર્ષ, 8 વર્ષ અને 3 વર્ષની પુત્રીઓ સાથે રહેતી હતી. પતિ સાથે ઝઘડો થતા મહિલા 3 વર્ષની દીકરીને લઈને સુરત તેના પરિચિત યુવક સાથે રહેવા આવી ગયી હતી અને ફૂટપાથ પર રહેતી હતી. પતિ સાથે ચાલતા અણબનાવ વચ્ચે દીકરીનું અપહરણ થતાં મહિલા મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે બાળકીનું રેસ્ક્યું કર્યું

આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી રતલામ સ્ટેશન ઉતરી ગયો છે. જેથી પોલીસની ટીમ ત્યાં પહોચી હતી. પોલીસે ત્યાંથી 60 કિમી દૂર આવેલા બજના ગામમાં ઓપરેશન હાથ ધરીને બાળકીને મુક્ત કરાવી હતી. અપહરણકાર પર ભીંસ વધતા તે બાળકીને રસ્તા વચ્ચે જ મૂકીને છટકી ગયો હતો. બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સ્થાનિક પોલીસની મદદ લઈને બાળકીને શોધી લીધી હતી. જોકે, આરોપીને ઝડપી લેવા માટે પોલીસની એક ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.