સુરતમાં ગુટખાની પડીકીના રૂપિયા માટે યુવકની હત્યાઃ 100થી વધુ CCTV કેમેરા અને 300 લોકોની પૂછપરછ બાદ આરોપી ઝડપાયો

પોલીસે બનાવ વાળી જગ્યાની આજુબાજુમાં આશરે 100થી વધુ અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. રાહદારી અને ફેરિયાઓ આશરે 300થી વધુ લોકોની પૂછપરછ કરી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 18 Oct 2026 03:10 PM (IST)Updated: Sun, 18 Oct 2026 03:10 PM (IST)
surat-news-youth-murdered-over-gutkha-money-dispute-accused-arrested

Surat News: સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક યુવકની સિમેન્ટ કોંક્રીટના ટુકડો માથામાં મારી હત્યા કરવામાં આવી હતી આ બનાવનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસમાં ગુટખાની પડીકીના રૂપિયા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ ગત 11 ઓક્ટોબર 2026ના રોજ સવારના આઠેક વાગ્યે સુરતના સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરી શિવનગર રોડ પર આવેલી ચિંદીના ગોડાઉનની સામે રોડની સાઈડમાં આવેલા ફૂટપાઠ પર રહેતા શિવકુમાર રામસ્વરૂપ યાદવને કાન અને માથાના ભાગે ગંભીર ઈજાની હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો અને તેની બાજુમાં ફેન્સીંગમાં ઉપયોગ થતો સિમેન્ટ કોન્ક્રીટના થાંભલાનો ટુકડો પડ્યો હતો અને તેના પર લોહીના ડાઘા હતા. જે તે સમયે સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

મૃતદેહનું પીએમ ફોરેન્સિક પેનલ ડોકટરો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મૃતકનું મોત માત્ર પડી જવાથી નહી પરંતુ કોઈ બોથડ કે સખ્ત વસ્તુ વડે થયેલાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવ વાળી જગ્યાની આજુબાજુમાં આશરે 100થી વધુ અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. તેમજ આજુબાજુમાં રહેતા તથા વેપાર ધંધો કરતા તેમજ ત્યાંથી પસાર થતા રાહદારી અને ફેરિયાઓ આશરે 300થી વધુ લોકોની પૂછપરછ કરી હતી.

પોલીસે બનાવ વાળી જગ્યાની એફ.એસ.એલ. અધિકારી તથા ક્રાઈમ સીન મેનેજર મારફતે વિઝીટ કરાવી અભિપ્રાય મેળવ્યો હતો તથા સ્થળ પર ડોગ સ્કવોડ મારફતે ડોગને સ્મેલ લેવડાવી તપાસ કરાવી હતી આ ઉપરાંત મરણજનારના સગા સબંધીઓના નિવેદનો નોંધી આગળ કોઈ સાથે ઝઘડો થયો કે કોઈ અંગત કારણ બાબતે પણ તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસ દરમ્યાન એક વ્યક્તિ મળ્યો હતો.

આ બનાવને નજરે જોયો હતો પોલીસે તેની પૂછપરછ કરતા મરણજનારને મંગલુ ઉર્ફે મંગલ પ્રસાદ ઉર્ફે પંડિત રામકરન અવસ્થીએ રાત્રીના આશરે બારથી એકાદ વાગ્યાના સમયે સિમેન્ટ કોન્ક્રીટના ટુકડાથી માથામાં મારી મોત નીપજાવી ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે મરણજનારના ભાઈ રામાયણ રામસ્વરૂપ યાદવની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી અને આરોપી સુરતથી ભાગે તે પહેલા જ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

પકડાયેલો આરોપી મંગલુ ઉર્ફે મંગલ પ્રસાદ ઉર્ફે પંડિત રામકરન અવસ્થી [ઉ.૫૫] મૂળ ઉતરપ્રદેશનો વતની છે અને સુરતમાં તે સચિન જીઆઈડીસી શિવનગર બરફ ફેક્ટરી પાસે ફૂટપાથ પર રહે છે. તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે મરણજનાર સાથે ગુટકાની પડીકીના રૂપિયા બાબતે ઝઘડો થયો હતો જેની અદાવત રાખી શિવકુમાર રામસ્વરૂપ યાદવની હત્યા કરી હતી. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.